રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે શંકરાચાર્યના વિરોધ સામે CM યોગીનો આવ્યો જવાબ
Image Source: Twitter
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સમારોહની તૈયારી ધામધૂમથી ચાલી રહી છે. ગુરૂવારે સાંજે સંપૂર્ણ વિધિસર શ્રીરામલલાના વિગ્રહને નવનિર્મિત ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરી દેવાયા. બીજી તરફ શંકરાચાર્યોએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું બોયકોટ શરૂ કરી દીધુ છે. જે મુદ્દે સીએમ યોગી આદિત્યનાથે જવાબ આપ્યો છે.
સીએમ યોગીએ કહ્યુ, ટ્રસ્ટ તરફથી દરેક ધર્માચાર્ય અને દરેક આચાર્યને સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે કોઈના માન કે અપમાનનો નથી. હું સામાન્ય નાગરિક કે દેશના મોટા ધર્માચાર્ય, કોઈ પણ પ્રભુ રામથી મોટો નથી. આપણે ભગવાન રામ પર આશ્રિત છીએ. રામ આપણા પર આશ્રિત નથી. મહત્વનું છે કે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ અને ઉત્તરામ્નાય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ સમારોહનો વિરોધ કર્યો છે.
તેમણે કહ્યુ હતુ તેઓ આ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે અયોધ્યા જશે નહીં. જોકે પુરી શંકરાચાર્ય આ સમારોહના પક્ષમાં નજર આવ્યા છે. જે મામલે VHPના આલોક કુમારે કહ્યુ, દ્વારકા અને શ્રૃંગેરી શંકરાચાર્યોએ સમારોહનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યુ કે અમે આના પક્ષમાં છીએ. તેઓ યોગ્ય સમય પર રામલલાના દર્શન માટે આવશે.
ગુરૂવારે શ્રીરામલલાને બિરાજમાન કર્યા પહેલા વિભિન્ન સંસ્કાર અને પૂજન કરવામાં આવ્યા. પ્રાણ પ્રતિષ્ઠા માટે ખાસ કરીને કાશીથી આવેલા પુરોહિતોએ કાર્યક્રમને સફળતાથી સંપન્ન કરાવ્યા. હવે 22 જાન્યુઆરીએ પીએમ મોદી અને સીએમ યોગીની હાજરીમાં વિભિન્ન અનુષ્ઠાનો વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન કરાવવામાં આવશે.
ગુરુવારે આખો દિવસ ગર્ભ ગૃહમાં ઘણા પ્રકારના અનુષ્ઠાન સંપન્ન કર્યા બાદ ભગવાનના બાળ સ્વરૂપને તેમના નક્કી સ્થળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે. હજુ તેમના શ્રી મુખને છોડીને અન્ય સ્થળથી કવર હટાવી દેવામાં આવ્યા છે. વિગ્રહનું પૂર્ણ અનાવરણ પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર જ કરવાની સંભાવના છે. આની તસવીર પણ સામે આવી છે.