મુખ્યમંત્રી આતિશીએ કેજરીવાલ માટે ખુરશી ખાલી રાખી
- આતિશીએ દિલ્હીના સીએમ ચાર્જ સંભાળ્યો
- ભગવાન રામના ભાઇ ભરતે જે રીતે 14 વર્ષ શાસન ચલાવ્યું તેમ હું પણ ચાર મહિના સુધી કાર્યભાર સંભાળીશ : આતિશી
નવી દિલ્હી : આપ નેતા આતિશીએ આજે દિલ્હીના મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળી લીધો છે. જો કે તેમણે પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જે ખુરશી પર બેસતા હતાં તે ખુરશી ખાલી રાખી છે અને તેની બાજુમાં પોતાની ખુરશી રાખી છે. જો કે આતિશીના આ નિર્ણયની ટીકા કરતા ભાજપ અને કોંગ્રસે ટીકા કરી છે અને જણાવ્યું છે કે આમ કરવાથી મુખ્યપ્રધાનના પદનું મોટું અપમાન થયું છે.
મુખ્યપ્રધાનનો ચાર્જ સંભાળ્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં આતિશીએ રામાયણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મારી સ્થિતિ ભગવાન રામના ભાઇ ભરત જેવી છે. ઉલ્લેખનીય છે કે ભગવાન રામના ૧૪ વર્ષના વનવાસ દરમિયાન અયોધ્યાનું શાસન ભરતે ચલાવ્યું હતું.
દિલ્હી સચિવાલયમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં ૪૩ વર્ષીય આતિશીએ અરવિંદ કેજરીવાલ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લાલ ખુરશીની બાજુમાં પોતાની સફેદ ખુરશી રાખી છે.
તેમણે જણાવ્યું હતું કે ભરતે ૧૪ વર્ષ સુધી ભગવાન રામની પાદુકા સંભાળીને કાર્યભાર સંભાળ્યો તેવી જ રીતે હું પણ ચાર મહિના સુધી કાર્યભાર સંભાળીશ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યપ્રધાનની ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને આશા છે કે દિલ્હીની પ્રજા તેમને ફરીથી મુખ્યપ્રધાન તરીકે ચૂંટી કાઢશે. ત્યાં સુધી મુખ્યપ્રધાનની ખુરશી ઓફિસમાં જ રહેશે તેમને રાહ જોશે.