નેતાઓને મળવું એટલે કોઈ ડીલ નહીં, રાજકીય પરિપક્વતાની નિશાનીઃ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ
CJI DY Chandrachud: ગણેશ ચતુર્થીના પર્વ સમયે વિવાદમાં મુકાયેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે એક કાર્યક્રમમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી દીધી છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, ‘જો ન્યાયાધીશ જ્યારે રાજ્ય કે કેન્દ્ર સરકારના વડાને મળે, તો તેનો અર્થ એ નથી કે, તે બંને વચ્ચે કોઈ ડીલ થઈ હોય.’
વાત એમ છે કે, વડાપ્રધાન મોદીને ઘરે આમંત્રણ આપવા બદલ ચીફ જસ્ટિસની આકરી ટીકા થઈ હતી. આમ, ચીફ જસ્ટિસનું નિવેદન આ વાતની સ્પષ્ટતા કરતું હોય એવું જણાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જ્યારે સરકારના વડા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મળે છે, ત્યારે આ બેઠકોમાં રાજકીય પરિપક્વતા જોવા મળે છે. અમારે રાજ્યના મુખ્યમંત્રીઓને મળવું પડે છે, કારણકે, તેઓ ન્યાયંત્ર માટે બજેટ ફાળવે છે. અમે રૂબરૂ મુલાકાતના બદલે માત્ર પત્ર વ્યવહાર પર આધાર રાખી કામ કરી શકીશુ નહીં.
આ પણ વાંચોઃ કોંગ્રેસ-ઠાકરેથી નારાજ થયા અખિલેશ યાદવ: ચેતવણી આપતા કહ્યું- રાજકારણમાં ત્યાગને કોઈ સ્થાન નથી
આ મુલાકાતની અસર
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું હતું કે, ‘રાજકીય નેતા અને ચીફ જસ્ટિસ વચ્ચેની આ બેઠક રાજકીય પરિપક્વતાની નિશાની છે. મારી કારકિર્દીમાં એવું ક્યારેય બન્યું નથી કે, કોઈ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કોઈ પેન્ડિંગ કેસ વિશે વાત કરી હોય. કોર્ટ અને સરકાર વચ્ચેનો વહીવટી સંબંધ ન્યાયતંત્રના કામથી તદ્દન અલગ છે. મુખ્યમંત્રી કે ચીફ જસ્ટિસ તહેવારો કે શોકના સમયે એક-બીજાને મળે છે, પરંતુ અમારા કામ પર અસર થતી નથી.’
કોર્ટમાં રજાઓ મુદ્દે જુઓ શું કહ્યું?
કોર્ટમાં રજાઓને લઈને ઉઠતા સવાલો પર ચીફ જસ્ટિસે કહ્યું કે, ‘લોકોએ સમજવું જોઈએ કે જજો પર કામનો બોજ ઘણો હોય છે. તેમને વિચારવા માટે પણ સમયની જરૂર છે, કારણ કે તેમના નિર્ણયો સમાજનું ભવિષ્ય નક્કી કરે છે. હું પોતે રાત્રે 3:30 વાગ્યે જાગી જાઉં છું અને સવારે 6:00 વાગ્યે મારું કામ શરૂ કરું છું. અમેરિકાની સુપ્રીમ કોર્ટ એક વર્ષમાં 181 કેસનો નિકાલ કરે છે. જ્યારે ભારતીય સુપ્રીમ કોર્ટમાં એક જ દિવસમાં આટલા કેસોનો નિકાલ થાય છે. આપણી સુપ્રીમ કોર્ટ દર વર્ષે 50,000 કેસનો નિકાલ કરે છે.’
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ 11 સપ્ટેમ્બરની સાંજે ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજામાં હાજરી આપી હતી. મોદીએ X પર તેની તસવીરો શેર કરી હતી. આ દરમિયાન એક વીડિયોમાં ચીફ જસ્ટિસ વડાપ્રધાનમાં મોદીનું તેમના ઘરે સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ચીફ જસ્ટિસના પરિવાર સાથે તેમના ઘરે ગણેશ આરતી કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોશાક પહેર્યો હતો. આ તસવીરો બાદ વિપક્ષ, અન્ય રાજકીય પક્ષોએ ન્યાયતંત્રની કામગીરી પર શંકા કરતાં ટીકાઓનો વરસાદ કર્યો હતો. એટલું જ નહીં, આ રીતે લોકોને ન્યાય મળશે કે કેમ તેવા લોકો સવાલો ઊભા કર્યા હતા.