બાગેશ્વર બાબાના કાર્યક્રમ મામલે ભાજપ ઉમેદવારની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી નોટિસ
Lok Sabha Elections 2024 : બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના એક કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓની તસવીરોવાળા બેનરો અને પોસ્ટર લગાવવા મામલે ચૂંટણી પંચે ભાજપ ઉમેદવાર સામે આકરી કાર્યવાહી કરી છે. છત્તીસગઢના કોરબા લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર સરોજ પાંડેએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા ચૂંટણી પંચે તેમને કારદર્શક નોટિસ પાઠવી છે.
બાગેશ્વર બાબાના કાર્યક્રમમાં ભાજપ મંત્રીઓની તસવીરો-બેનરો
મળતા અહેવાલો મુજબ છત્તીસગઢ (Chhattisgarh)ના મનેન્દ્રગઢ વિધાનસભા મતવિસ્તારના ચિરમિરી શહેરમાં શુક્રવારે બાગેશ્વર ધામ (Bageshwar Dham)ના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri)નો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના મંત્રીઓની તસવીરોવાળા બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા. આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે ફરિયાદ કરતા ચૂંટણી પંચમાં ભાજપ ઉમેદવાર સરોજ પાંડે (Saroj Pandey)ને નોટિસ પાઠવી છે.
ભાજપ ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમનો દુરુપયોગ કર્યો : કોંગ્રેસ
ચૂંટણી પંચે (Election Commission) સરોજ પાંડેને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા આદેશ આપ્યો છે. કોંગ્રેસે (Congress) આ મામલે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, BJPના ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક કાર્યક્રમનો દુરુપયોગ કર્યો છે. કોંગ્રેસે માંગ કરી કે, કાર્યક્રમનો ખર્ચ તેમના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવો જોઈએ.
કોંગ્રેસે ભાજપ ઉમેદવાર સામે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
એક અધિકારીએ કહ્યું કે, કોંગ્રેસની ફરિયાદ બાદ કોરબા લોકસભા બેઠક પરના સહાયક ચૂંટણી અધિકારીએ ભાજપના ઉમેદવાર સરોજ પાંડેને શુક્રવારે નોટિસ પાઠવી છે અને તેમની પાસેથી 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મનેન્દ્રગઢ વિધાનસભા વિસ્તારના ચિરમિરી શહેરમાં ધીરેન્દ્ર ગિરી શાસ્ત્રીનો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતે, જેમાં ભાજપે સરોજ પાંડે અને ભાજપના શાસિત રાજ્યના મંત્રીઓની તસવીરોવાળા બેનરો અને પોસ્ટરો લગાવ્યા હતા.
કોંગ્રેસના જિલાધ્યક્ષ સરોજ પાંડો સામે નોંધાવી ફરિયાદ
કોંગ્રેસના જિલાધ્યક્ષ અશોક શ્રીવાસ્તવે ધીરેન્દ્ર શાસ્ત્રીના રામ કથા કાર્યક્રમમાં ભાજપ ઉમેદવાર સરોજ પાંડે અને છત્તીસગઢ સરકારના અન્ય મંત્રીઓની ફોટો લગાવવા મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે સરોજ પાંડેનો કારણદર્શક નોટિસ પાઠવી છે. પંચની નોટિસમાં જણાવાયું છે કે, આમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે, આ મામલે ધાર્મિક કાર્યક્રમનો સહારો લઈ રાજકીય હિત ખાટવાનો પ્રયાસ કરાયો છે.