માથામાં 15 ઘા, લીવરના 4 ટુકડા કર્યા.. પત્રકાર મુકેશની નિર્દયતાપૂર્વક હત્યા કરનારો પકડાયો
Bijapur Journalist Mukesh Chandrakar: છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ સિવાય લીવરના ચાર ટુકડા અને પાંચ પાંસળીઓ તૂટી ગઈ હતી. એટલું જ નહીં, તેની ગરદન તૂટેલી અને હૃદય ફાટેલું જોવા મળ્યું હતું.
પત્રકારની હત્યા કરનારા બે કે તેથી વધુ હુમલાખોરો હોવાનો દાવો
પત્રકાર મુકેશ ચંદ્રાકરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરે કહ્યું કે, 'મેં મારી 12 વર્ષની કારકિર્દીમાં એવો કોઈ કેસ જોયો નથી કે જેમાં તેમની આટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોય.' ડૉક્ટરે એવો પણ દાવો કર્યો છે કે પત્રકારની હત્યા કરનારા બે કે તેથી વધુ હુમલાખોરો હતા.
પત્રકારની હત્યાના આરોપીની હૈદરાબાદમાંથી ધરપકડ
મુકેશ ચંદ્રાકરની હત્યાના આરોપી કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની SITએ હૈદરાબાદથી તેની ધરપકડ કરી છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર સિંહ યાદવે આ વાતની પુષ્ટિ કરી હતી.
3 જાન્યુઆરીએ સેપ્ટિક ટાંકીમાંથી લાશ મળી આવી હતી
મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ 3 જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની મિલકત પર સ્થિત સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. મુકેશ 1લી જાન્યુઆરીથી ગુમ હતો. પોલીસે મુકેશને શોધવા સુરેશ ચંદ્રાકરના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંની સેપ્ટિક ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. શરીરની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ કપડાં પરથી તેમની ઓળખ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શિંદે સેનાના ધારાસભ્ય શબ્દોની મર્યાદા ભૂલ્યાં! મતદારોને બેફામ અપશબ્દો કહ્યાં
કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો
પત્રકાર મુકેશ ચંદ્રકરે કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરને બસ્તરમાં 120 કરોડ રૂપિયાનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પત્રકાર મુકેશની હત્યાના સમાચાર બાદ કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પછી, 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકર વિશે કંઈ જાણી શકાયું ન હતું. એવું પણ સામે આવ્યું છે કે મુકેશને છેલ્લો ફોન સુરેશ ચંદ્રાકરના ભાઈ રિતેશ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરીથી મુકેશ ચંદ્રાકરનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. એવો દાવો કરવામાં આવે છે કે લાશને ટાંકીમાં મુકવામાં આવી હતી અને તેના પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું, આ પછીથી જ પોલીસને શંકા ગઈ હતી.