છત્તીસગઢમાં પતિ-પત્ની અને 3 વર્ષની બાળકીના મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળતાં હડકંપ
Chhattisgarh: છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લામાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં પતિ-પત્ની અને 3 વર્ષની બાળકીના મૃતદેહ બળી ગયેલી હાલતમાં ઘરમાંથી મળી આવ્યા છે. આ ઘટના બાદ હડકંપ મચી ગયો છે. આ મામલે સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ તપાસ હાથ ધરી છે.
પતિ-પત્ની અને 3 વર્ષની બાળકીના મૃતદેહ બળી ગયેલી હાલતમાં મળી આવ્યા
આ મામલે પોલીસે જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ભંવરમારા ગામમાં ઘટી હતી. મૃતકોની ઓળખ 40 વર્ષીય ભગવત સિન્હા, તેમની 35 વર્ષીય પત્ની તનુ અને 3 વર્ષની દીકરી ભવ્યા તરીકે થઈ છે. જ્યારે ભગવતનો ભત્રીજો તેમના ઘરે પહોંચ્યો ત્યારે આ ઘટનાનો ખુલસો થયો. તેણે જોયું તો દરવાજો અંદરથી બંધ હતો. તેણે ઘણી વખત દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ તે પાછલા દરવાજાથી ઘરની અંદર પહોંચ્યો અને બેડરુમ પર તેની નજર ગઈ તો તે ચોંકી ગયો. રૂમમાં ત્રણ બળી ગયેલા મૃતદેહો પડ્યા હતા. ત્યારબાદ તેણે આ મામલે પોલીસને જાણ કરી.
આ પણ વાંચો: અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ
ઘટના સ્થળ પરથી સિલિન્ડર અને લાઈટર મળી આવ્યું
સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ઘટના સ્થળ પર તપાસ દરમિયાન પોલીસને એલપીજી સિલિન્ડર બેડરૂમની બહાર મળી આવ્યો, જેનો પાઈપ દરવાજાના કિનારાથી રૂમની અંદર લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક સ્ટોવ લાઈટર પણ ઘટના સ્થળ પરથી રિકવર કરવામાં આવ્યું છે.
પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી
પોલીસે જણાવ્યું કે, પાછળનો દરવાજો ખુલ્લો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, ભગવત કરિયાણાની દુકાન ચલાવતો હતો. તેમના પરિવારમાં કોઈ પણ વિવાદની જાણકારી નહોતી. પોલીસે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાની પાછળનું કારણ હજું સ્પષ્ટ નથી થયું. હાલમાં પોલીસે ઘટના સ્થળ પરથી મલી આવેલા પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.