છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલી ઠાર, ભારે માત્રામાં વિસ્ફોટ સામગ્રી-હથિયારો જપ્ત
Chhattisgarh Encounter : છત્તીસગઢના બીજાપુરમાં પીડિયાના જંગલોમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 નક્સલવાદીઓ ઠાર થયા છે. ઘટનામાં બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો જપ્ત કર્યા છે. હાલ સુકમા, બીજાપુર અને દંતેવાડાની ડીઆરજી કોબરાની 210 બટાલિયન અને એસટીએફના જવાનો દ્વારા સર્ચઓપરેશન ચાલી રહ્યું છે.
જંગલમાં ટોચનો કમાન્ડર હોવાની સૂચના
સુરક્ષા જવાનોએ જંગલમાં ઘણા નક્સલવાદીઓને ઘેરીને રાખ્યા છે. ઘટનાસ્થળે શુક્રવારે સવારે માર્યા ગયેલા નક્સલવાદીઓના મૃતદેહો અને હથિયારો સહિતનો સામાન જપ્ત કરાયો છે. જંગલમાં ટોચનો કમાન્ડર હોવાની સૂચના મળ્યા બાદ સર્ચઓપરેશન હાથ ધરાયું છે, જેમાં ત્રણેય જિલ્લાના જવાનો હાલ એન્ટી નક્સલ ઓપરેશન પર છે.
ટોચના કમાન્ડરોને પકડવા 1200 જવાનોનું સર્ચ અભિયાન
જવાનોને સૂચના મળી હતી કે, ગંગાલૂર પોલીસ સ્ટેશન ક્ષેત્રના પીડિયા વિસ્તારમાં નક્સલીઓના ટોચના કમાન્ડર લિંગા, પાપારાવ સહિત મોટા લીડર્સો જંગલમાં છે. આ ઉપરાંત નક્સલવાદીઓની ટીમમાં DKSJC, DVCM તેમજ ACM કેડરના મોટા નક્સલવાદીઓ પણ હાજર છે. આ સૂચના મળ્યા બાદ પડોશી જિલ્લાના દંતેવાડા, સુકમા તેમજ બીજાપુરથી STF, DRG, CRPF તેમજ કોબરા બટાલિયનના 1200 જવાનો સંયુક્ત અભિયાન ચલાવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જવાનો-અધિકારીઓને અભિનંદન પાઠવ્યા
નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સફળતા મળવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ જવાનો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા નક્સલીઓના મૃતદેહ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. હથિયારો, વિસ્ફોટકો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.