છત્તીસગઢના કોમેડિયન દેવરાજ પટેલનું અકસ્માતમાં મોત, CM બધેલે વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દેવરાજ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
ફુલ સ્પીડે આવી રહેલી ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ દેવરાજનું મોત
રાયપુર, તા.26 જૂન-2023, સોમવાર
છત્તીસગઢના પ્રખ્યાત કોમેડિયન દેવરાજ પટેલનું આજે રોડ અકસ્માતમાં મોત થયું છે. દેવરાજ રાયપુરમાં કોમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યા હતા. દરમિયાન ટ્રક સાથે અકસ્માત સર્જાતા તેમનું મોત નિપજ્યું છે. દેવરાજ પટેલનો 'દિલ સે બુરા લગતા હૈ' ડાયલોગ દેશભરમાં વાયરલ થયો હતો. દેવરાજનું મૃત્યુ નિપજતાં તેમના ચાહકોમાં શોકનું મોજુ પરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ટ્વીટ કરીને દેવરાજ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
CM બધેલે શોક વ્યક્ત કર્યો
દેવરાજ પટેલના નિધન પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘દિલ સે બુરા લગતા હૈ’થી કરોડો લોકોમાં પોતાનું સ્થાન બનાવનાર, આપણા સૌને હસાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યા ગયા. આટલી નાની ઉંમરમાં અદભૂત પ્રતિભાની ખોટ ખુબ જ દુઃખદ છે. ભગવાન તેમના પરિવાર અને ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ...
મહાસમુંદ જિલ્લાના રહેવાસી હતા દેવરાજ
દેવરાજ પટેલ મૂળ મહાસમુંદ જિલ્લાના રહેવાસી હતા. પરંતુ તેઓ વીડિયોના કામકાજના કારણે રાયપુર જિલ્લાના રહેતા હતા. આ દરમિયાન આજે તેઓ વીડિયો બનાવવા જઈ રહ્યા હતા, ત્યારે રાયપુર શહેરના લાભાંડી વિસ્તારમાં ફુલ સ્પીડે આવી રહેલી ટ્રકનો શિકાર બનતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેઓ મહાસમુંદ જિલ્લાના દાબ પાલી ગામમાં રહેતા હતા. તેમનો પરિવાર પણ આ ગામમાં રહે છે. તેમના પિતા ઘનશ્યામ પટેલ ખેતી કરે છે. દેવરાજ પટેલના બીજા ભાઈ હેમંત પટેલ છે.
દેવરાજે ભુવન બમ સાથે વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું
દેવરાજ પટેલના યુટ્યુબ પર 4 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. વીડિયોને લાખો વ્યૂઝ મળતા હતા. તે જુદાં-જુદાં વિષયો પર કોમેડી વીડિયો બનાવતા હતા. દેવરાજે 2021માં દિલ્હીના પ્રખ્યાત હાસ્ય કલાકાર ભુવન બમ સાથે પણ કામ કર્યું હતું. દેવરાજ છત્તીસગઢ સરકારની ડોક્યુમેન્ટરી ફિલ્મો સાથે પણ સંકળાયેલા હતા, તેથી દેવરાજ પટેલ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની નજીકના હતા. દેવરાજે ગયા વર્ષે મુખ્યમંત્રી સાથે એક વીડિયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉપરાંત દેવરાજ પટેલે આજે જ પોતાનો છેલ્લો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.