છત્તીસગઢ ચૂંટણી : સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, અનેક જવાનો ઈજાગ્રસ્ત

રાજ્યના સુકમા, બાંધા, કોંટા, ઓરછા, કાંકેર સહિતના વિસ્તારોમાં નક્સલીઓએ સૈનિકો પર હુમલા કર્યા

અનેક સ્થળોએ પોલીસ પર ફાયરિંગ, નક્સલીઓએ મતદાન અટકાવવા IED બ્લાસ્ટ પણ કર્યો

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
છત્તીસગઢ ચૂંટણી : સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ, અનેક જવાનો ઈજાગ્રસ્ત 1 - image

રાયપુર, તા.07 નવેમ્બર-2023, મંગળવાર

Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યમાં આજે ઘણી જગ્યાઓએ નક્સલીઓ સૈનિકો પર હુમલા (Naxal Attack) કર્યા છે, તો IED બ્લાસ્ટ પણ કરવામાં આવ્યો છે. નક્સલીઓ સતત મતદાનમાં અવરોધો ઉભા કરવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે સુકમામાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અથડામણમાં ઘણા જવાનો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. નક્સલીઓએ આજે બાંદા, કોટા, ઓરછા, કાંકેર સહિતના વિસ્તારોમાં પણ પોલીસ સાથે અથડામણ કરી હતી. નક્સલીઓએ આજે બાંદા મતદાન કેન્દ્રમાં પણ મતદાનમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો અને 2 કિલોમીટર દુર ડીઆરજી જવાનો પર ફાયરિંગ કર્યું હતું. તો સુકમાના કોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલીઓ-પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું. મતદાન દરમિયાન ઓરછાના તાદુરના જંગલોમાં પણ એસટીએફ અને માઓવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. 

સુરક્ષા દળોએ AK-47 જપ્ત કરી

આ ઘટના અગાઉ કાંકેરના બાંદે વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે અથડામણ બાદ સુરક્ષા દળોએ એકે-47 કબજે કરી છે. કેટલાક નક્સલવાદીઓના મોત અથવા ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલો છે. બાંદે પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ 1 વાગ્યે પનાવર પાસે ડીઆરજી અને નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. ઘટના સ્થળેથી AK-47 મળી આવી છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

કાંકેરમાં પણ પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ

કાંકેરમાં પણ પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી અથડામણ પણ થઈ હતી. મતદાન કરાવવા ગયેલા બીએસએફ અને બસ્તર ફાઈટરના જવાનોની નક્સલવાદીઓએ અથડામણ થઈ હતી. તો માડપખાંજૂર અને ઉલિયાના જંગલોમાં એન્કાઉન્ટર થયું હોવાના અહેવાલો છે. આ મામલો બાંદે પોલીસ સ્ટેશનના માડપખાંજૂરનો છે. માડપખાંજૂર એએસપીએ આ વાતની પુષ્ટિ કરી છે.

તાદુરના જંગલમાં STF અને માઓવાદીઓ વચ્ચે અથડામણ

નારાયણપુર જિલ્લાના ઓરછા પોલીસ સ્ટેશનના તાદુર જંગલમાં STF અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એસટીએફને જોઈ નક્સલવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા. તમામ સૈનિકો સુરક્ષિત છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

સુકમાના કોંટામાં પણ અથડામણ

સુકમાના કોંટા પોલીસ સ્ટેશન વિસ્તારના બાંદામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હોવાની માહિતી મળી છે. દૂરમા અને સિંગારામના જંગલોમાં નક્સલવાદીઓએ બેરલ ગ્રેનેડ લોન્ચર્સી હુમલો કર્યો હોવાના અહેવાલો મળ્યા છે. નક્સલવાદીઓ મતદારોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સીઆરપીએફ અને ડીઆરજીની ટીમો તૈનાત છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

DRG જવાન પર ફાયરિંગ

સુકમામાં બાંદા મતદાન મથકથી લગભગ બે કિલોમીટર દૂર તૈનાત ડીઆરજી સૈનિકો પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી હતી. સુકમા પોલીસે જણાવ્યું કે 10 મિનિટ બાદ નક્સલવાદીઓ તરફથી ગોળીબાર બંધ થઈ ગયો છે. તમામ સૈનિકો સુરક્ષિત છે અને મતદાન ચાલી રહ્યું છે.

સુકમામાં IED બ્લાસ્ટ

સુકમા જિલ્લામાં મતદાન દરમિયાન એક મોટી ઘટના બની હતી. અહીં IED બ્લાસ્ટને કારણે એક સૈનિક ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે કેમ્પમાં લઈ જવાયો છે. આપને જણાવી દઈએ કે મંગળવારે સવારે 7 વાગ્યાથી બસ્તર સહિત રાજ્યની 20 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. મંગળવારે સવારે સુકમામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો.


Google NewsGoogle News