છત્તીસગઢમાં ચૂંટણીનાં મતદાન પહેલા નક્સલીઓની ગંભીર કરતુત, બહિષ્કાર કરવા સરકારી ફેક્ટરી સળગાવી દીધી

નક્સલીઓએ ફેક્ટરીમાં કામ બંધ કરવા અને ચૂંટણીનો બહિષ્કાર કરવા ગ્રામજનોને આપી ચેતવણી

નક્સલીઓએ અગાઉ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની હત્યા કરી હતી : પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
છત્તીસગઢમાં ચૂંટણીનાં મતદાન પહેલા નક્સલીઓની ગંભીર કરતુત, બહિષ્કાર કરવા સરકારી ફેક્ટરી સળગાવી દીધી 1 - image

રાયપુર, તા.06 નવેમ્બર-2023, સોમવાર

Chhattisgarh Assembly Election 2023 : છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે મતદાન થવાનું છે, જોકે તે પહેલા નક્સલીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવા ગંભીર કરતુત કરી નાખી છે. નક્સલીઓએ અહીંના માંઝીગુડા (Manjiguda)માં સરકારી ગારમેન્ટ ફેક્ટરી (Government Clothing Factory Fire)ને આગ લગાવી દીધી છે, જેના કારણે ફેક્ટરીમાં લાખો રૂપિયાના કપડા બળીને રાખ થઈ ગયા છે. જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી છે. 

નક્સલીઓએ ગ્રામજનોને આપી ચેતવણી

મળતા અહેવાલો મુજબ જ્યારે નક્સલીઓ રવિવારે મોડી રાત્રે ઘટનાને અંજામ આપવા આવ્યા ત્યારે તેઓ ચૂંટણી બહિષ્કારની અપીલ કરી રહ્યા હતા, જેના કારણે આ વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થઈ ગયો છે. આગની સૂચનાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો છે. 

ફેક્ટરીમાં મશીનોને પણ ભારે નુકસાન

નક્સલિઓએ ફેક્ટરીનું તાળુ તોડી અંદર કપડાઓના જથ્થાનો આગ લગાવતા કેટલીક મશીનોને પણ ભારે નુકસાન થયું છે. નક્સલીઓએ ઘટનાસ્થળે કાગળો પણ ચોંટાડ્યા છે, જેમાં ફેક્ટરીમાં કામ બંધ કરવાની ચેતવણી આપવા ઉપરાંત મતદાન ન કરવાનું પણ આહવાન કર્યું છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં પોલીસે અસામાજિક તત્વોએ ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે જણાવ્યું કે, ઘટના સમયે ફેક્ટરીમાં એકપણ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી છે. હાલ પોલીસે અજાણ્યા નક્સલીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નક્સલીઓએ અગાઉ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષની હત્યા કરી હતી

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીનું આવતીકાલે પ્રથમ તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે આગામી 17 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જોકે પ્રથમ તબક્કાના મતદાન પહેલા નક્સલીઓ સતત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. નક્સલીઓએ ગયા શનિવારે ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ રતન દુબેની હત્યા કર્યા બાદ રવિવારે મોડી રાત્રે નક્સલ પ્રભાવિત વિસ્તાર માઝિગુડામાં સરકારી ગારમેન્ટ ફેક્ટરીમાં આગ લગાવી દેતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.


Google NewsGoogle News