લગ્નમાં 3 વર્ષના માસૂમ બાળકે બરફ સમજીને ડ્રાઇ આઇસ ખાઇ લેતા મોત
લગ્નમા લોકો આતશબાજી અને ડેકોરેશન પાછળ ખર્ચા કરીને પોતાના લગ્નને યાદગાર બનાવતા હોય છે. ત્યારે લગ્નમાં સ્પેશ્યલ ઇફેક્ટ માટે લાવવામા આવતી ડ્રાઇ આઇસ બાળકની મોતનું કારણ બની છે. છત્તીસગઢની આ ઘટનામાં બેદરકારીના કારણે ત્રણ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. બાળકના મોત બાદ હોબાળો મચી ગયો છે.
શું છે સમગ્ર ઘટના ?
જિલ્લાના લાલબાગ પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચમારરાય ટોલામાં એક લગ્ન સમારંભમાં ત્રણ વર્ષના માસૂમ બાળકે બરફ સમજીને ડ્રાઇ આઇસ ખાઇ લીધો. જે બાદ તેની તબિયત બગડી અને તે બેભાન થઈ ગયો. પરિવારના સભ્યો તેને તાત્કાલિક રાજનાંદગાંવ મેડિકલ કોલેજ લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, પાડોશમાં રહેતી એક મહિલા તેના 3 વર્ષના પુત્ર ખુશાંશ સાહુ સાથે ચમારરાય ટોલામાં સંતોષ સાહુના પરિવારના લગ્ન પ્રસંગમાં આવી હતી. તે તેના પુત્રને છોડીને બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ. આ સમય દરમિયાન ખુશાંશ સ્ટેજ પાસે રમી રહ્યો હતો, સ્ટેજની નજીક ડ્રાય આઈસ ફેંકવામાં આવ્યો હતો, જ્યારે ત્યાં રમતા બાળકોએ ડ્રાય આઈસ જોયો તો તેમને બરફ સમજીને ખાધો. ડ્રાઇ આઇસ ખાધા બાદ ખુશાંશ સહિત અન્ય બાળકોની તબિયત બગડવા લાગી, પરિવારના સભ્યો તેમને પહેલા તેમના ઘરે લઈ ગયા, આ દરમિયાન ખુશાંશ બેભાન થઈ ગયો, તેને તાત્કાલિક રાજનાંદગાંવ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ઘટના બાદ ખુશાંશના પરિવારના સભ્યો અને લગ્ન સમારોહમાં હાજર રહેલા પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. માહિતી મળતા જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. તેમણે બંને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો. આ પછી પરિવારના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તે જ રાત્રે લાલબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ ઘટના અંગે FIR નોંધાવી હતી.