મહારાષ્ટ્રમાં શિવસેના પછી હવે NCPમાં પણ ડખા! આ નેતાએ પવારને બતાવ્યો પાવર
Chhagan Bhujbal: મહારાષ્ટ્રમાં શિવસેના પછી હવે NCPમાં પણ ડખા ચાલુ થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળને સ્થાન ન અપાતાં તેમના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. ભુજબળના સમર્થકોએ નાશિકમાં NCP કાર્યાલયની બહાર ટાયરો સળગાવ્યા હતા. ગઈકાલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટના મંત્રીઓએ શપથ લીધા હતા.
છગન ભુજબળના સમર્થકો નારાજ
નવી મહાયુતિ સરકારમાં 39 મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપના ક્વોટામાંથી 19 મંત્રીઓ, શિવસેના શિંદે જૂથના ક્વોટામાંથી 11 મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે NCP અજિત પવારના ક્વોટામાંથી 9 મંત્રી બનાવવામાં આવ્યા છે. આ નવ મંત્રીઓમાં NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ સામેલ કરવામાં નહોતા આવ્યા. આ વાતથી નારાજ સમર્થકો રોષે ભરાયા છે.
આ પહેલા છગન ભુજબળે નાગપુરમાં રવિવારે પાર્ટીની બેઠકમાં હાજરી નહોતી આપી. ભુજબળ હોટલમાં જ રહ્યા હતા. જો કે કેબિનેટમાં સામેલ ન કરવાના સવાલનો તેમણે કોઈ જવાબ નહોતો આપ્યો.
અઢી વર્ષ બાદ બીજા ધારાસભ્યોને તક આપવામાં આવશે
બીજી તરફ જ્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ અને NCP પ્રમુખ અજિત પવારને છગન ભુજબળને કેબિનેટમાં સ્થાન ન આપવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે આ અંગે કંઈપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે અજિત પવારે સ્પષ્ટ કરી દીધું છે કે, તેમની પાર્ટીના તમામ ધારાસભ્યો જેમને મંત્રી બનાવવામાં આવ્યા છે તેઓ માત્ર અઢી વર્ષ માટે જ સરકારમાં રહેશે. અઢી વર્ષ બાદ બીજા ધારાસભ્યોને તક આપવામાં આવશે.
NCPના આ 9 ધારાસભ્યોએ લીધા શપથ
NCPના 9 ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવ્યા છે. જેમાં હસન મુશ્રીફ, ધનંજય મુંડે, દત્તાત્રય ભરણે, અદિતિ તટકરેને મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પાર્ટીના ધારાસભ્યો માણિકરાવ કોકાટે, નરહરિ ઝિરવાલ, મકરંદ જાધવ પાટીલ, બાબાસાહેબ પાટીલ, ઈન્દ્રનીલ નાઈકે પણ મંત્રી પદના શપથ લીધા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યની 288 બેઠકોમાંથી 230 બેઠકો પર મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય થયો હતો.