મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ!, શરદ પવારને મળવા પહોંચ્યા છગન ભુજબળ
Maharashtra Politics: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા ત્યારથી મહારાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન આજે (15મી જુલાઈ) એનસીપી (અજિત પવાર)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે બધાને ચોંકાવી દીધા હતા. તે અચાનક શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા.
શરદ પવારે બે લોકોને મળવા માટે અપોઇન્ટમેન્ટ આપી હતી
સૂત્રોના જણાવ્યાનુસાર, એકનાથ શિંદે સરકારના મંત્રી છગન ભુજબળ મરાઠા અને ઓબીસી આરક્ષણના મુદ્દે શરદ પવારનો અભિપ્રાય લેવા ત્યાં ગયા હતા. નોંધનીય છે કે, શરદ પવારની તબિયત હાલ સારી નથી. તેથી તે અત્યારે આરામ કરી રહ્યો છે. સોમવારે શરદ પવારે માત્ર બે લોકોને મળવા માટે અપોઇન્ટમેન્ટ આપી હતી. આમાંથી એક બેઠક શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ધારાસભ્ય મિલિંદ નાર્વેકર સાથે હતી. શરદ પવારને મળવા માટે છગન ભુજબળને 45 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જો કે, છગન ભુજબળે એ નથી જણાવ્યું કે તે શરદ પવારને મળવા માટે કેમ ગયા હતા.
આ પણ વાંચો: Budget 2024: NPSમાં ટેક્સ છૂટ મર્યાદા વધારવા અપીલ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ મળવાની અપેક્ષા
છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધ્યું હતું
છગન ભુજબળે એક દિવસ પહેલા જ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતના મુદ્દે સીએમ એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી દૂર રહેવા બદલ છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, 'બારામતીથી ફોન આવ્યા બાદ એમવીએના નેતાએ બેઠકમાં હાજરી આપી ન હતી.' ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ બેઠક પરથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. છગન ભુજબળને લઈને નારાજગી હોવાના અહેવાલો છે.