'અજીત પવાર પણ બની શકે છે મુખ્યમંત્રી...', દિગ્ગજ નેતાના દાવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ
Maharashtra Politics : મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ આવ્યા બાદ એ વાત પર રાજનીતિ તેજ બની ગઈ છે કે રાજ્યમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે. આ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના નેતાઓની મીટિંગ યોજાઈ હતી. બેઠક બાદ એનસીપી નેતા છગન ભુજબલે કહ્યું કે, 'આજે અમારા તમામ ધારાસભ્યો બેઠકમાં આવ્યા, કેટલાક પરિષદ સભ્ય પણ આવ્યા અને સૌએ નક્કી કર્યું છે કે અજિત પવાર વિધાનસભામાં અમારું નેતૃત્વ કરશે. પરંતુ મુખ્યમંત્રી કોણ હશે, ત્રણેય પાર્ટીઓ મળીને નક્કી કરશે.'
તેમણે કહ્યું કે, 'ત્રણેય પાર્ટીઓ એક સાથે બેસીને નક્કી કરશે કે આપણા નેતા કોણ હશે. અજિત પવાર પણ મુખ્યમંત્રી બની શકે છે, તેમનો સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે.'
ત્યારે, અદિતિ તટકરે કહ્યું કે, 'મને ખુશી છે, લાડકી બહેન યોજનાથી પણ મદદ મળશે. હું અજિત પવાર, ફડણવીસ અને એકનાથ શિંદેનો આભાર માનું છું. આ યોજના ખુબ કારગર રહી. હવે અમે જાણીએ છીએ કે લાડકી બહેન કોણ છે. અમે વગર કોઈ ટિપ્પણીએ આકરી મહેનત કરી. મતદારોને પણ ભરોસો અપાવ્યો અને અમને તેમના મત મળ્યા.'
વધુમાં તેમણે કહ્યું કે, 'આજની બેઠકમાં તમામ ઉમેદવાર આવ્યા, ભલે પરિણામ કંઈ પણ હોય. મહાયુતિનો સ્ટ્રાઇક રેટ શાનદાર છે. યોજનામાં 1500 રૂપિયાથી 2100 રૂપિયા કરવામાં આવશે. અમે વચન આપ્યું હતું અને આપીશું, યોજના ચાલતી રહેશે. અમે વિકાસ, ઉદ્યોગો માટે પ્રેશર બનાવવાનું શરૂ રાખીએ છીએ અને ઈચ્છીએ છીએ કે યોજનાઓ જમીની સ્તર સુધી પહોંચે.'
આ પણ વાંચો : ઉદ્ધવની હાલત : ભંડારે મેં ગયા તો ખાના ખત્મ, બહાર આયા તો ચપ્પલ ચોરી; મીમ્સનું ઘોડાપૂર