1લી એપ્રીલથી આ બેંકોની ચેકબુક અને પાસબુકનો નહી કરી શકો ઉપયોગ, થઈ રહ્યો છે આ ફેરફાર
નવી દિલ્હી, 15 માર્ચ 2021, સોમવાર
દેશમાં બેંકોના વિલિનિકરણ બાદ ઘણી બેંકોના ચેકો, પાસબુક અને આઈએફએસસી કોડમાં ફેરફાર થવા જઈ રહ્યાં છે. દેના બેંક, વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્રા બેંક, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ, યૂનાઈટેડ બેંક અને અલાહાબાદ બેંકોનું વિલિનિકરણ 1લી એપ્રીલ 2020એ થઈ ગયું. આ બેંકોની ચેકબુક અને પાસબુકનો હજુ પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ 1લી એપ્રીલ 2021 બાદથી તેનો ઉપયોગ કરી શકાશે નહી. બેંકોના વિલિનિકરણ બાદ નવી ચેકબુક અને પાસબુક બેંકો પાસેથી મેળવવી પડશે.
આગામી 1લી એપ્રીલથી આ બેંકોના ગ્રાહકોના ખાતા નંબર જે છેલ્લા 2 વર્ષોમાં અન્ય મોટી બેંકો સાથે વિલિનિકરણ કરવામાં આવી હતી, તે બદલી જશે. ચેકબુકની સાથે IFSC અને MICR કોડ, આવી બેંકોની બ્રાંચના એડ્રેસ પણ બદલાઈ જશે. જેની અન્ય મોટી બેંકો સાથે વિલિનિકરણ 1 એપ્રીલ 2019 અને 1 એપ્રીલ 2020થી અમલી થયું છે તેના અનુસાર બેંકોના એડ્રેસ થઈ જશે.
ઉલ્લેખનિય છે કે, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું વિલિનિકરણ પંજાબ નેશનલ બેંકમાં થયુ છે. એ બાદ સિંડિકેટ બેંકનું વિલિનિકરણ કેનરા બેંક સાથે, આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં વિલિનિકરણ થયું અને અલાહાબાદ બેંકનો વિલય ઈન્ડિયન બેંક સાથે થયો છે.
PNB અને બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કરતા કહ્યું કે ઓબીસી, યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, વિજયા બેંક અને દેના બેંકની હાલની ચેકબુક 1લી એપ્રીલથી બંધ થઈ જશે કારણ કે તે માત્ર 31મી માર્ચ 2021 સુધી જ માન્ય છે. આ પ્રકારે મર્જ કરવામાં આવેલી બેંકોના ખાતા ધારકો પણ 1લી એપ્રીલથી પોતાની હાલની ચેકબુક અને પાસબુકનો ઉપયોગ કરી શકશે નહી.
ખાતાધારકોએ આટલું કરવાનું
જો તમારું આ કોઈ બેંકમાં એકાઉન્ટ છે તો તમારે પોતાની ડિટેઈલ્સ જેવી કે પોતાનો મોબાઈલ નંબર, એડ્રેસ, નોમિનિના નામ વગેરેને અપડેટ કરવું પડશે. તમારા બેંકનું વિલિનિકરણ જે બેંકમાં થયું છે તે બેંકમાંથી નવી ચેકબુક અને પાસબુક લેવી પડશે. એ માટે તમારે પોતાની જુની પાસબુક અને ચેકબુક ત્યાં સુધી સાચવીને રાખશો જ્યાં સુધી નવી ચેકબુક અને પાસબુક મેળવી ના લો.
નવી ચેક બુક અને પાસબુક મેળવ્યા બાદ તમારે જુદાં-જુદાં નાણાંકિય રોકાણના ક્ષેત્રો જેમ કે, મ્યૂચ્યૂઅલ ફંડ, ટ્રેડિંગ ખાતા, જીવન વિમા પોલીસી, આવકવેરા ખાતું, FD કે રેકરિંગ ડિપોઝિટ, PF ખાતું અને અન્ય જરૂરી બેંકિંગ ડિટેલને અપડેટ કરવી પડશે. જો તમારું સિંડિકેટ બેંકમાં એકાઉન્ટ છે તો તમે 30 જુન સુધી તમારી હાલની ચેકબુકનો ઉપયોગ કરી શકો છો.