Cheapest Gold Prices: વિશ્વમાં સૌથી સસ્તુ સોનું ક્યા મળે છે, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Cheapest Gold Prices: સસ્તા ભાવમાં સારી ક્વોલિટીનું સોનું ખરીદવાની વાત આવે ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલું નામ દુબઈનું આવે છે. હકીકતમાં દુબઈમાં સોનાની ખરીદી પર કોઈ ટેક્સ નથી લાગતો, જેના કારણે દુબઈમાં અન્ય દેશોની સરખામણીએ સોનું ઘણું સસ્તું છે. દુનિયાભરમાંથી લોકો સોનું ખરીદવા માટે દુબઈ આવે છે. જો કે, એવા ઘણા દેશો છે, જ્યાં સોનાના ભાવ ભારતમાં સોનાના ભાવ કરતાં ઓછા છે.
દુબઈમાં આજના સોનાનો ભાવ
દુબઈમાં સોનાનો ભાવ લગભગ 67686 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. એવું કહેવાય છે કે, દુબઈમાં સોનાની ક્વોલિટી અન્ય દેશો કરતાં ખૂબ જ સારી છે. ત્યાં સોનાના આભૂષણો પર ખૂબ જ ઝીણવટથી કામ કરવામાં આવે છે, જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
દુબઈની Deira સિટી સેન્ટરને ગોલ્ડ હબ કહેવામાં આવે છે. અહીં સોનાની ઘણી દુકાનો છે, જ્યાં ભારતીય સેલિબ્રિટી અને અમીર લોકો ખરીદી કરવા જતા હોય છે. આ સાથે જ્વેલરીની ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક હોય છે. જેના કારણે લોકો દુબઈ જાય છે, અને અહીંથી તેમના બજેટ પ્રમાણે સોનું ચોક્કસ ખરીદે છે.
થાઇલૅન્ડનું ચાઇના ટાઉન સોનાના ઘરેણાં માટે વિશ્વ પ્રસિદ્ધ
સોના બાબતે દુબઈ પછી થાઇલૅન્ડ બીજા ક્રમે આવે છે. થાઇલૅન્ડનું ચાઇના ટાઉન સોનાના ઘરેણાં માટે વિશ્વ પ્રસિદ્ધ છે. જાપાન, ચીન, ભારત, પાકિસ્તાન અને અમેરિકા સહિત ઘણા દેશોના લોકો સોનું ખરીદવા જતા હોય છે. થાઇલૅન્ડનું બેંગકોક શહેર કપડાંની ખરીદી માટે પણ જાણીતું છે, પરંતુ કદાચ તમે નહીં જાણતાં હોવ કે તમે અહીંથી ઓછી કિંમતે સારી ગુણવત્તાનું સોનું પણ ખરીદી શકો છો. બેંગકોકમાં તમે ખૂબ જ ઓછા માર્જિન પર સોનાના આભૂષણો ખરીદી શકો છો.
ઇન્ડોનેશિયામાં 10 ગ્રામ સોનાની કિંમત
ઇન્ડોનેશિયા સારી ક્વોલિટી અને વિશ્વમાં સૌથી સસ્તા સોના માટે પણ જાણીતું છે. ઇન્ડોનેશિયામાં 24 કેરેટ સોનાની કિંમત 1,330,266 IDR (ઇન્ડોનેશિયન રુપિયા) પ્રતિ 10 ગ્રામ છે, જે ભારતના ચલણમાં આશરે રૂ. 71,880 પ્રતિ 10 ગ્રામ થાય. હાલમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો દર 77,000 રૂપિયાની આસપાસ છે.
કંબોડિયામાં 10 ગ્રામ સોનાની કિંમત
કંબોડિયા પણ સારી ક્વોલિટીનું સોનું ખરીદવા માટે પ્રખ્યાત છે. અહીં ભારતના ચલણમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 71,880 રૂપિયાની આસપાસ છે. આ ઉપરાંત હોંગકોંગમાં સારી ગુણવત્તાનું સોનું મળી રહે છે. વિશ્વના વેપારી બજાર હોંગકોંગમાં સોનાની કિંમત 72,050 રૂપિયાની આસપાસ છે.
સ્વિટ્ઝર્લૅન્ડમાં 10 ગ્રામ સોનાની કિંમત
આમ તો સ્વિટ્ઝર્લૅન્ડ તેની પ્રાકૃતિક સુંદરતા અને સ્વિસ બૅંક માટે જ નહીં, પરંતુ સોનાની આકર્ષક ડિઝાઇન અને સસ્તા દર માટે પણ જાણીતું છે. અહીં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 73,580 રૂપિયાની આસપાસ છે. સ્વિટ્ઝર્લૅન્ડ સોનાની આયાત પર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. તેથી જ અહીં સસ્તું સોનું મળે છે. આ ઉપરાંત અહીં વિવિધ ડિઝાઇનની સોનાની ઘડિયાળો પણ મળી રહે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે, સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે પણ કારીગરો દ્વારા હાથથી ઘરેણાં બનાવવામાં આવે છે.