ચારધામ યાત્રા દરમિયાન ટ્રાફિકમાં ફસાઈ ગયા તો શું કરવું? ઉત્તરાખંડ પોલીસે બનાવ્યો પ્લાન
Chardham Yatra 2024: ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા 2024માં શરૂ થવામાં માત્ર થોડા દિવસ બાકી છે. શ્રદ્ધાળુઓની આતુરતા એટલી છે કે, ઓનલાઇન બુકિંગની જો વાત કરીએ તો, બદ્રીનાથ અને કેદારનાથમાં લગભગ 7 હજાર લોકોએ પૂજા માટે બુકિંગ કરાવ્યું છે. આ ચારધામ યાત્રા માટે 10મી મેના રોજ ચારધામના દરવાજા ખુલશે.
રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર યાત્રાને સુવ્યવસ્થિત બનાવવા પ્રયાસ કરી રહી છે. આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા રેકોર્ડ તોડવાની આશા છે. આવી સ્થિતિમાં પૌડી ગઢવાલ પ્રશાસન ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે ખાસ પ્લાન બનાવી રહ્યું છે.
ટ્રાફિક પડકારનો સામનો કરવા માટે, એસએસપી પૌરી પોલીસ ટીમ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાનિંગ તૈયાર કરી રહ્યા છે. જેથી પ્રવાસ દરમિયાન ટ્રાફિકનું ભારણ ન રહે. એસએસપી પૌડી લોકેશ્વર સિંહે કહ્યું કે, ચારધામ યાત્રા સાથે જોડાયેલા જિલ્લાઓ સાથે સંકલન કરીને ક્ષણ-ક્ષણે ટ્રાફિક અપડેટ લેવામાં આવશે. જો વધુ ભીડ હશે તો મુસાફરોને લઈ જતા વાહનોને અગાઉથી અટકાવી દેવામાં આવશે. મુસાફરોને નજીકની હોટલોમાં જ રોકાવાનું કહેવામાં આવશે. જેથી ચારધામ સાથે જોડાયેલા જિલ્લાઓમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ન જાય.
એસએસપીએ જણાવ્યું હતું કે, જિલ્લાના લક્ષ્મણઝુલા, નીલકંઠ અને શ્રીનગરમાં ટ્રાફિક જામ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસની ટીમ દરેક ખૂણા પર સતર્ક રહેશે.
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ ગયું છે, કારણ કે આ ધામો નિશ્ચિત સમય માટે ખુલ્લા છે. તેથી અહીં દર્શન માટે જતા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે ઉત્તરાખંડ ટૂરિઝમની સત્તાવાર વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in/signin.php પર જઈને કરી શકાય છે.