ચારધામ યાત્રા અંગે ઉત્તરાખંડ સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી VIP દર્શન બંધ
Chardham Yatra 2024: ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ સરકારે 31મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન 19મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રા 10મી મેના રોજ શરૂ થઈ હતી.
શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત
મુખ્ય સચિવ રાધા રાતુરીએ 31મી મે સુધી VIP દર્શન પર પ્રતિબંધ મૂકતો પત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત સરકારે ચારધામના સરળતાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દીધુ છે. હવે જે દિવસે રજીસ્ટ્રેશન થયું છે તે જ દિવસે દર્શન થશે. આ પહેલા 30મી એપ્રિલે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને 25મી મે સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા રોકવાનો આદેશ આપ્યો હતો.
મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં
અગાઉ મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે, યાત્રા પર આવનારા ભક્તો મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.