ગંગોત્રી-યમુનોત્રી ધામમાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, ઠેર ઠેર જામ, ભીડ કાબૂમાં રાખવા પોલીસ પણ પરેશાન

Updated: May 14th, 2024


Google NewsGoogle News
ગંગોત્રી-યમુનોત્રી ધામમાં તૂટ્યો ગયા વર્ષનો રેકોર્ડ, ઠેર ઠેર જામ, ભીડ કાબૂમાં રાખવા પોલીસ પણ પરેશાન 1 - image


Char Dham Yatra : ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા 2024 હર્ષોલ્લાસ સાથે શરૂ થઈ ગઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ વખતે યમુનોત્રી (Yamunotri Dham) અને ગંગોત્રી ધામ (Gangotri  Dham)માં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ (Pilgrims) ઉમટી પડતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તો બીજી તરફ મંદિર સમિતિએ પણ ભક્તોની ભીડના ધ્યાને રાખી મોડી રાત સુધી મંદિર ખુલા રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભીડ પર કાબુ મેળવવા પોલીસને પણ પરસેવો છુટી ગયો છે. આ કારણે પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે.

ગંગા સપ્તમીએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

આ ઉપરાંત ગંગા સપ્તમી (Ganga Saptami 2024) પર પણ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભીડ વધતા પોલીસ પણ ખડેપગે ઉભી રહી સતત સુરક્ષા-વ્યવસ્થાના તમામ પ્રયાસો કરી રહી છે તેમજ કેટલાક સ્થળોએ તો ભીડને કાબુમાં લેવામાં પોલીસને પરસેવો પણ છુટી ગયો છે. આ વખતની ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓ સંખ્યાને જોતા ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. લગભગ છ કિલોમીટર પગપાળાથી દૂર યમુનોત્રી ધામમાં પણ શ્રદ્ધાળુઓના ઘોડાપુરનો રેકોર્ડ સર્જાયો છે.

યમુનોત્રીમાં કેટલા શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન?

યમુનોત્રી ધામમાં 28 મે 2023ના રોજ સૌથી વધુ 12045 શ્રદ્ધાળુઓએ દર્શન કરી ગત વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. જોકે આ વર્ષે 12148 ભક્તોએ યમુનોત્રીમાં દર્શન કરી નવો રેકોર્ડ સર્જોય છે. હાલ યમુનોત્રીમાં ભક્તોની ભીડને કાબુમાં લેવા માટેનો સિલસિલો યથાવત્ છે. ભક્તોને કોઈપણ અગવડતા ઉભી ન થાય તે માટે વહીવટી તંત્રએ બેરિયર અને ગેટ સિસ્ટમની શરૂઆત કરી દીધી છે. તો બીજી તરફ યમુનોત્રીના ભક્તોએ ગંગોત્રી ધામ તરફ પ્રયાણ કરતા ત્યાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. ગંગોત્રીમાં બે દિવસમાં રેકોર્ડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે.

ગંગા સપ્તમીએ ભારે ભીડ, પોલીસને પરસેવો છૂટ્યો 

29 મે-2023ના રોજ યમુનોત્રી બાદ ગંગોત્રીમાં એક દિવસમાં રેકોર્ડ 13670 શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 18973 પર પહોંચી ગયો છે. એટલે કે બહોળી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ગત વર્ષોના તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે. ભક્તોનો સૌથી વધુ ભીડ ગંગા સપ્તમી પરની ટિહરી અને ઉત્તરકાશી જિલ્લામાં જોવા મળી રહી છે, જેને કાબુમાં લેવા માટે વહિવટી તંત્ર અને પોલીસને પરસેવો છુટી ગયો છે. 

પોલીસની લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ

ઉત્તરાખંડમાં અક્ષય તૃતીયા (Akshaya Tritiya) એટલે કે અખાત્રીજના દિવસે કેદારનાથ ધામની સાથે યમુનોત્રી ધામના કપાટ ખુલ્યા હતા. ત્યારબાદ હજારો ભક્તો અહીં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની ચિંતા વધી ગઈ છે કારણ કે ક્ષમતા કરતા વધુ શ્રદ્ધાળુઓ આવવાના કારણે લોકોના જીવ પર જોખમ વધી ગયું છે. હાલ યમુનોત્રીમાં ભક્તોની ભારે ભીડ થઈ હતી. એવામાં પોલીસે લોકોને હાલ યમુનોત્રી ન આવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે યમુનોત્રી ધામમાં દર્શન કરવા માટે ઉમટી રહેલી શ્રદ્ધાળુઓની ભીડને કારણે લગભગ પાંચથી છ કિલોમીટરના ચાલવાના માર્ગ કે જે ખૂબ જ સાંકડો છે ત્યાં અકસ્માતનો ભય રહે છે.

યમુનોત્રીમાં ગેટ સિસ્ટમ શરૂ કરાતા તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગે વળ્યો

જિલ્લા અધિકારી ડૉ.મેહરબાન સિંહ બિષ્ટે કહ્યું કે, યમુનોત્રી ધામમાં ગેટ સિસ્ટમ શરૂ કરાયા બાદ તમામ ટ્રાફિક ગંગોત્રી માર્ગ તરફ ડાયવર્ટ થઈ ગયો છે. આ કારણે રસ્તાઓ પણ ઘણી બસો ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. ગંગોત્રીમાં ભારે ભીડ સર્જાતા ભક્તોને મોડી રાત સુધી દર્શન કરવા દેવાયા છે. યાત્રાના માર્ગ પર અધિકારીઓ અને કર્મચારીઓને પણ તહેનાત કરાયા છે. આ ઉપરાંત ભક્તોને ભોજન, પાણી, મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ આદેશ અપાયા છે. હાલ બંને ધામોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.


Google NewsGoogle News