મુસ્લિમ અનામત મુદ્દે કર્ણાટક વિધાનસભામાં હોબાળો: ભાજપના 18 ધારાસભ્યો સસ્પેન્ડ, ટિંગાટોળી કરી બહાર લઈ જવાયા
18 protesting BJP MLAs suspended : સરકારી ટેન્ડરમાં મુસ્લિમોને ચાર ટકા અનામત આપવાના બિલ અંગ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જોરદાર હોબાળો કર્યો હતો. આર. અશોકના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ અનામતના બિલની કોપી ફાડીને સ્પીકર તરફ ફેંકી. આ સિવાય હનીટ્રેપ મુદ્દે પણ ધારાસભ્યો સરકારનો વિરોધ કરી રહ્યા હતા. જે બાદ 18 ધારાસભ્યોને છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
ભાજપ ધારાસભ્યોને ઊંચકીને ગૃહની બહાર કરાયા
કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષે ભાજપના 18 ધારાસભ્યોને શિસ્તહીનતા માટે સસ્પેન્ડ કર્યા. આ દરમિયાન માર્શલ બોલાવવાની પણ નોબત આવી ગઈ. ધારાસભ્યોને ટિંગાટોળી કરી ગૃહની બહાર મોકલવામાં આવ્યા. આ ધારાસભ્યો હવે છ મહિના સુધી વિધાનસભા હૉલ, લોબી કે ગેલેરીમાં પ્રવેશી શકશે નહીં. ધારાસભ્યોને સમિતિની ચૂંટણીમાં મતદાન કરવાની અનુમતિ પણ આપવામાં આવશે. તથા છ મહિના સુધી તમામ દૈનિક ભથ્થાં પણ બંધ કરી દેવાશે. કર્ણાટક સરકારના મંત્રી એમ. બી. પાટીલે આ મુદ્દે નિવેદન આપ્યું છે, કે 'સભ્યોનો વ્યવહાર કાયદાકીય રીતે તદ્દન અનુચિત હતો. એવામાં આ કાર્યવાહી 100 ટકા બરોબર છે.'
હનીટ્રેપ મુદ્દે પણ હોબાળો, શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે કર્ણાટકમાં ચર્ચા ચાલી રહી હતી કે એક મોટા ગજાના મંત્રી હનીટ્રેપમાં ફસાયા છે. જોકે રાજન્નાએ આજે વિધાનસભામાં જ કબૂલાત કર્યો હતો. જોકે તેમણે અન્ય 48 નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા વીડિયો હોવાનો દાવો કરતાં રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય સુનિલ કુમારે સૌથી પહેલા હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો જે બાદ ગૃહમાં ગહન ચર્ચા પણ થઈ. ભાજપ ધારાસભ્ય બસનગૌડા પાટિલે પણ આ મુદ્દો ઉઠાવ્યો અને સહકારિતા મંત્રી રાજન્ના પણ ફસાયા હોવાનો દાવો કર્યો.
ત્યાર બાદ રાજન્ના ઊભા થયા અને વિધાનસભામાં જવાબ આપતા કહ્યું હતું, કે 'ઘણાં લોકો એમ કહે છે કે કર્ણાટક એક સીડી ફેક્ટરી છે. ઘણા લોકો એવો પણ દાવો કરે છે કે બે જ મંત્રી ફસાયા છે, હું અને પરમેશ્વર. પણ વાત અહીં સુધી જ સીમિત નથી. રાષ્ટ્રીય સ્તરના નેતાઓને પણ હનીટ્રેપમાં ફસાવવા જાળ પાથરવામાં આવી છે. હું આ મુદ્દે લેખિતમાં ફરિયાદ નોંધાવીશ. આશરે 48 રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓના વીડિયો છે. હું ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે આ મામલે તપાસ કરવામાં આવે કે કોણ આવા ષડ્યંત્ર રચી રહ્યું છે.'