ચંદ્રયાન-3 અંગે મોટી ખુશખબર, ISRO થયું ગદગદીત, IAUએ શિવશક્તિ પોઈન્ટને મંજૂરી આપી
IAUએ મંજૂરી આપ્યા બાદ સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યા વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે
Chandrayaan 3 : ઈસરોએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો હતો, ત્યારબાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તે જ સમયે, જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ કરાયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રખાયું હતું. હવે આ અંગે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યા વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.
ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન નામને મંજૂરી આપી
ગ્રહોના નામકરણના ગેઝેટિયરના જણાવ્યા મુજબ ‘પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટેના IAUની વર્કિંગ કમિટીએ શિવ શક્તિ નામને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નામની જાહેરાત વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટ-2023ના રોજ ચંદ્ર પર સફળ ઉતરાણના ત્રણ દિવસ બાદ બેંગલુરુના ઈસરો સેન્ટરમાં કરી હતી.
અગાઉ ચંદ્રયાન-2ની જગ્યાનું નામ તિરંગા
તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-3 જ્યાં લેન્ડિંગ થવાનું છે, તે નામનું નામ શિવ શક્તિ રખાશે. અગાઉ જે જગ્યાએ ચંદ્રયાન-2 ક્રેશ થયું હતું, તેને તિરંગા નામ અપાયું હતું. આ ઉપરાંત 23 ઓગસ્ટના દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી.
જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે : ISRO
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ અંગે ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું કે, ભારતનું ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણ રીતે (ISRO Chief S Somnath) સફળ રહ્યું છે અને તે મિશન પૂર્ણ થયું છે. જે કામ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને આપવામાં આવ્યું (Pragyan Rover And Vikram Lander) હતું તે કામ સફળતાપૂર્વક કર્યું છે. આ સાથે જ ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર રહેશે, ત્યાં સુધી ચંદ્ર પર ચંદ્રયાન-3 રહેશે.