'ભ્રષ્ટ સરકાર સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે..' ચંદ્રબાબુ નાયડુના દીકરા પિતાની ધરપકડ પર ભડક્યાં

કહ્યું - આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસની ભ્રષ્ટ સરકારનું શાસન, પિતાને પુરાવા વગર જ રિમાંડ પર મોકલવાનો મૂક્યો આરોપ

ચંદ્રબાબુ નાયડુની રાજ્યના સ્કિલ ડેવલપમેન્ટ નિગમ સાથે કથિત 371 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ધરપકડ કરાઈ હતી

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
'ભ્રષ્ટ સરકાર સામે ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે..' ચંદ્રબાબુ નાયડુના દીકરા પિતાની ધરપકડ પર ભડક્યાં 1 - image

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનો બચાવ કરતાં તેમના જ દીકરાએ કહ્યું કે મારે સત્તારુઢ વાયએસઆર કોંગ્રેસની ભ્રષ્ટ સરકાર વિરુદ્ધ ગૃહયુદ્ધનું આહ્વાન કરવું પડશે. નાયડુના દીકરા નારા લોકેશે ભારપૂર્વક કહ્યું કે મારા પિતા એવા રાજનેતા છે જેમની સામે ભ્રષ્ટાચારના આરોપ નથી તેમ છતાં તેમને કોઈપણ પ્રકારના પુરાવા વગર જ રિમાંડ પર મોકલી દેવામાં આવ્યા છે. 

ચંદ્રબાબુ નાયડુની થઈ ધરપકડ 

ચંદ્રબાબુ નાયડુની રાજ્યના સ્કિલ ડેવલપમેન્ટ નિગમ સાથે કથિત 371 કરોડ રૂપિયાના કૌભાંડ મામલે ધરપકડ કરાઈ હતી અને બે અઠવાડિયાની ન્યાયિક કસ્ટડીમાં રાજમંદુરી જેલ મોકલી દેવાયા હતા. આગામી વર્ષે યોજનાર વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખની ધરપકડથી આંધ્રપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

બદલાની રાજનીતિ ગણાવી 

પૂર્વ સીએમના દીકરા લોકેશે કહ્યું હતું કે  પૂર્ણ બહુમતની સત્તા એકદમ ભ્રષ્ટ જ હોય છે અને ભ્રષ્ટ લોકો ઈમાનદાર લોકોને જેલના સળીયા પાછળ ધકેલી દે છે. આંધ્રપ્રદેશમાં આવું જ થઈ રહ્યું છે. તેમણે મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા તરીકે તેમના પિતાના શાનદાર રેકોર્ડ પર ભાર મૂકતાં આ ટિપ્પણી કરી હતી. તેમણે  આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસઆર જગન મોહન રેડ્ડી  સામે નિશાન તાકતાં કહ્યું કે જો તમે રિમાંડ રિપોર્ટ વાંચશો તો સ્પષ્ટ થઈ જશે કે પૈસાની કોઈ લેવડ-દેવડ થઈ નથી કેમ કે નાયડુએ કંઈ જ ખોટું કર્યું નથી. આ ફક્ત બદલાની રાજનીતિ છે. 

ન્યાયમાં વિલંબનો કર્યો આક્ષેપ 

પિતા માટે સમર્થન મેળવવા દિલ્હી પહોંચેલા લોકેશે કહ્યું કે હું દરેક ઉપલબ્ધ કાનૂની વિકલ્પોના માધ્યમથી આરોપો સામે લડવાનો ઈરાદો રાખું છું. ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે પણ ન્યાયને નકારી ના શકાય. લોકેશે આ દરમિયાન તમામ ભારતીયોને નાયડુની તરફેણમાં એકજૂટ થવા આહ્વાન પણ કર્યું હતું. આ સાથે તેમણે ગૃહયુદ્ધ ભડકાવવાની ચેતવણી ઉચ્ચારી હતી. 


Google NewsGoogle News