ચંડીગઢ સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ પર ભાજપનો વિજય
- સુપ્રીમના ચુકાદા બાદ ચંડીગઢ સીનિયર ડેપ્યુટી મેયર, ડેપ્યુટી મેયરની ફરી ચૂંટણી યોજવી પડી
- 36માંથી ભાજપનાં ઉમેદવારને 19 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 16 મત, એક મત અયોગ્ય જાહેર કરાયો
- અગાઉ આ બન્ને પદની ચૂંટણીનો આપ અને કોંગ્રેસે બહિષ્કાર કર્યો હતો, ભાજપે બન્ને નેતાઓને રીપિટ કર્યા
ચંડીગઢ : સીનિયર ડેપ્યુટી મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને ઝટકો લાગ્યો છે, આ બન્ને પદ ભાજપને મળી ગયા છે. આ બન્ને પદ માટે ફરી યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે કોંગ્રેેસના બન્ને ઉમેદવાર હાર્યા હતા. સુપ્રીમ કોર્ટે અગાઉ મેયરનું પદ આપને આપ્યું છે.
૩૬માંથી ભાજપના ઉમેદવારને ૧૯ મત મળ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના સમર્થનથી કોંગ્રેસના ઉમેદવારને ૧૬ મત મળ્યા હતા. રિટનગ ઓફિસરે એક મતને અયોગ્ય જાહેર કર્યો હતો. આ એક અયોગ્ય ઠેરવેલો મત ભાજપનો છે કે ઇન્ડિયા ગઠબંધનનો તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે એવા અહેવાલો છે કે આ એક મત ઇન્ડિયા ગઠબંધનનો હતો.
સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ફરી યોજવામાં આવી હતી. મેયર આ ચૂંટણીમાં પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂમિકામાં હતા. અગાઉ ચંડીગઢ મેયરની ચૂંટણી ભારે વિવાદોમાં રહી હતી અને સુપ્રીમ કોર્ટદ્વારા મેયરનું પદ આમ આદમી પાર્ટીને સોપવામાં આવ્યું હતું. જ્યારે સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા જેને આપ દ્વારા સમર્થન મળેલું હતું.
સીનિયર ડેપ્યુટી મેયરના પદ માટે ભાજપના કુલદીપ સંધુએ કોંગ્રેેસના ઉમેદવાર ગુરપ્રીત ગેબીને હરાવ્યા હતા. તેવી જ રીતે ડેપ્યુટી મેયર પદે ભાજપના રાજિન્દર શર્માએ કોંગ્રેેસના નિર્મલા દેવીને હરાવ્યા હતા.
આ પહેલા મેયરની સાથે સિનિયર ડેપ્યુટી મેયર તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી પણ યોજાઈ હતી જોકે તે સમયે ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ બંને પદની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તેથી ભાજપની જીત થઇ હતી. મેયરનું પદ સુપ્રીમ કોર્ટે આપને આપ્યું હતું જ્યારે અન્ય બે પદ માટે ફરી ચૂંટણી યોજાઈ હતી, અગાઉ પણ સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરનું પદ ભાજપે જીત્યું હતું, તે સમયે જે ઉમેદવાર હતા તેને ભાજપે રીપીટ કર્યા હતા.