ચંડીગઢનું મેયરપદ સુપ્રીમે આપને આપ્યું, ભાજપને ફટકો
- રિટર્નિંગ ઓફિસરે છેડાં કરેલા આઠ મતને સુપ્રીમે કાયદેસર જાહેર કર્યા
- કોર્ટમાં ખોટું બોલવા બદલ રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહ સામે અવમાનનાનો કેસ ચાલશે, નોટિસ ફટકારાઇ : સુપ્રીમે તમામ બેલેટ પેપરની ચકાસણી કરી, આઠ સાથે ચેડા થયાનું સાબિત થયું
- સત્ય અને લોકશાહીની જીત થઇ, જનતા લોકસભાની ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે : આપ-કોંગ્રેસ ગેલમાં
નવી દિલ્હી : ચંડીગઢના મેયરની ચૂંટણીમાં અંતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ભાજપના ઉમેદવારને મેયર જાહેર કરવાનો નિર્ણય રદ કર્યો હતો અને કોંગ્રેસ-આપના ઉમેદવારને મેયર જાહેર કર્યા છે. જે આઠ મતો સાથે છેડછાડ કરવામાં આવી હતી તેને અગોગ્ય ઠેરવવાનો રિટર્નિંગ ઓફિસરનો નિર્ણય પણ રદ કરી દીધો છે અને આ તમામ મતોને કાયદેસર જાહેર કર્યા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગેરરીતિ સામે આવી હતી, જોકે અંતે સુપ્રીમ કોર્ટે આ ગેરરીતિને દૂર કરીને જે સાચો વિજેતા છે તેને મેયર જાહેર કર્યો હતો.
આ સાથે જ આઠ મતો સાછે છેડછાડ કરીને તેને અયોગ્ય જાહેર કરનારા રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહ સામે કોર્ટની અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે, સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ રજિસ્ટ્રારને આદેશ આપ્યો છે કે અનિલ મસિહ સામે નોટિસ જાહેર કરવામાં આવે.
કોર્ટમાં જુઠા નિવેદનો આપીને ગેરમાર્ગે દોરવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની બેંચે ચુકાદો આપતા કહ્યું હતું કે એ પુરવાર થયું છે કે રિટર્નિંગ ઓફિસરે આઠ બેલેટ પેપર સાથે છેડછાડ કરી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અગાઉ જે ચૂંટણી પરીણામ જાહેર થયું હતું તેને ગેરકાયદે જાહેર કરીને રદ કરી દીધુ છે.
સુપ્રીમ કોર્ટે બંધારણના આર્ટિકલ ૧૪૨ની મદદથી સંપૂર્ણ ન્યાયની સત્તાનો ઉપયોગ કર્યો હતો. અનિલ મસિહ સામે સીઆરપીસીની કલમ ૩૪૦ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ૩૦મી જાન્યુઆરીએ ચંડીગઢ મેયરની ચૂંટણીની મતગણતરી થઇ હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી મેયરપદના ઉમેદવાર કુલદીપ કુમાર હતા જ્યારે ભાજપ તરફથી મનોજ કુમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. મતગણતરી કરનારા રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહે ભાજપના મનોજ કુમારને વિજેતા જાહેર કર્યા હતા.
જોકે તેઓ જ્યારે મતગણતરી કરી રહ્યા હતા ત્યારે આપ અને કોંગ્રેસના આઠ બેલેટ પેપર સાથે તેઓએ છેડછાડ કરી હતી, જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયું હતું. આપ-કોંગ્રેસને ૨૦ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને ૧૬ મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસરે આપ-કોંગ્રેસના આઠ મતોની સાથે છેડછાડ કરીને તેમાં ટીકમાર્ક વગેરે કર્યા હતા. જેથી સંખ્યા ઘટીને ૧૨ પર આવી જતા ભાજપના ઉમેદવારને મેયર જાહેર કર્યા હતા. મંગળવારે સુપ્રીમ કોર્ટ તમામ બેલેટ પેપરની જાતે ચકાસણી કરી હતી, જેમાં સાબિત થયું કે આપ-કોંગ્રેસના આઠ મતોની સાથે છેડછાડ થઇ હતી, સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે આ આઠ બેલેટ પેપરના છેડે પેનથી એક લાઇન પણ કરવામાં આવી હતી. ચંડીગઢ મ્યુનિ. કોર્પોરેશન રેગ્યુલેશન ૧૯૯૬ના કાયદા મુજબ બેલેટને ત્રણ જ કિસ્સામાં ગેરકાયદે જાહેર કરી શકાય, (૧) મતદારની ઓળખનું કોઇ માર્ક હોય તો, (૨) એક કરતા વધુ મત હોય તો, (૩) કોને મત આપ્યો છે તે સ્પષ્ટ ના થતું હોય તો.
જોકે જે આઠ મતોને રિટર્નિંગ ઓફિસરે અયોગ્ય જાહેર કર્યા હતા તેમાં આ ત્રણમાંથી એક પણ કેટેગરીની ખામી નથી જોવા મળતી અને તેથી આ તમામ મતોને કાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા અને આપ-કોંગ્રેસના ઉમેદવારને મેયરપદ પર વિજેતા જાહેર કર્યા હતા. દરમિયાન સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસ અને આપે તેનું સ્વાગત કર્યું હતું અને અને કહ્યું હતું કે આ લોકશાહીની જીત છે.
થોડું મનોરંજન પણ જરૂરી છે : વીડિયો જોઇ સીજેઆઇ હસ્યા
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર મતો સાથે છેડછાડ કરી રહ્યા હતા તેના સીસીટીવીની વીડિયો ક્લિપને સુપ્રીમ કોર્ટમાં પ્લે કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સહિત તમામ લોકોએ આ વીડિયો ક્લિપ જોઇ હતી. આ સમગ્ર વિવાદનો પુરો વીડિયો સુપ્રીમમાં રજુ કરાયો હતો, જ્યારે વીડિયો પ્લે થઇ રહ્યો હતો ત્યારે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું હતું કે તમામ લોકોએ આ વીડિયો જોવો જોઇએ, થોડુ મનોરંજન પણ દરેક માટે જરૂરી છે. હસતા હસતા કહ્યું હતું કે પુરો વીડિયો ચલાવવાની જરૂર નથી, જેટલો જરૂરી હતો તે હિસ્સો અમે જોઇ લીધો છે.
રિટર્નિંગ ઓફિસરની ભાજપ સાથે લિંક
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં મતો સાથે ચેડા કરનારા રિટર્નિંગ ઓફિસર અનિલ મસિહ સામે અવમાનનાનો કેસ ચલાવવામાં આવશે. ૫૩ વર્ષીય અનિલ મસિહ થોડા વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા, તેમને ૨૦૨૧માં ભાજપ તરફથી ટિકિટ મળવાની આશા હતી. જોકે તેઓને ભાજપે ચંડીગઢ નગરપાલિકામાં કાઉન્સેલર બનાવ્યા હતા, કુલ નવને આ પદ સોંપાયું હતું, જોકે તેઓ તેઓને મતદાનનો અધિકાર નથી હોતો. જોકે વિવાદ વચ્ચે ભાજપે અનિલ મસિહને આ પદ પરથી હટાવી દીધા હતા.