‘આ લોકશાહીની હત્યા...’ ચંડીગઢ મેયરની ચૂંટણીનો વીડિયો જોઈ રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI

સુપ્રીમ કોર્ટે ચંડીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીએ યોજાનાર પ્રથમ બેઠકને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવાનો તેમજ નવા મેયરનું કામકાજ પણ અટકાવવાનો આદેશ આપ્યો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
‘આ લોકશાહીની હત્યા...’ ચંડીગઢ મેયરની ચૂંટણીનો વીડિયો જોઈ રિટર્નિંગ ઓફિસર પર ભડક્યા CJI 1 - image


Chandigarh Mayor Election Controversy : આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ચંડીગઢ મેયરની ચૂંટણી મામલે આમ આદમી પાર્ટીની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન વરિષ્ઠ વકીલ મનુ સંઘવી (Advocate Manu Singhvi)એ પેનડ્રાઈવમાં ચૂંટણી કાર્યવાહીનો વીડિયો પણ સોંપ્યો હતો. વીડિયો જોયા બાદ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ (CJI DY Chandrachud)ની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે ચૂંટણી અધિકારીને ફટકાર લગાવી છે. વીડિયો જોઈ સીજેઆઈએ કહ્યું કે, આ લોકશાહીની મજાક છે. વીડિયો જોયા બાદ અમે પણ સ્તબ્ધ થયા છીએ. અમે આ પ્રકારની લોકશાહીની હત્યાની મંજૂરી ન આપી શકીએ. તેમણે ચૂંટણીનો સંપૂર્ણ વીડિયો રજુ કરવા આદેશ આપ્યો છે અને નોટિસ પણ જારી કરી છે.

નવા મેયરનું કામકાજ અટકાવવાનો આદેશ

આપ અને કોંગ્રેસના ઉમેદવાર કુદલીપ કુમારે ચૂંટણી ફરીથી યોજવાની માંગ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે ચંડીગઢ નગર નિગમની 7 ફેબ્રુઆરીએ યોજાનાર પ્રથમ બેઠકને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવાનો તેમજ નવા મેયરનું કામકાજ પણ અટકાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત ખંડપીઠે એમ પણ કહ્યું છે કે, હાઈકોર્ટ રજિસ્ટ્રાર જનરલ પાસેથી ચૂંટણીનો સમગ્ર રેકોર્ડ જપ્ત કરવામાં આવે અને મતપત્ર, વીડિયોગ્રાફીને સુરક્ષિત રાખવામાં આવે. કોર્ટે રિટર્નિંગ ઓફિસને નોટિસ પાઠવી રેકોર્ડ સોંપવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

‘તેઓ કેમેરા સામે કેમ જોઈ રહ્યા છે’

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ‘એ સ્પષ્ટ છે કે, તેમણે (ચૂંટણી અધિકારી)એ મતપત્રોને ખરાબ કર્યા છે. તેમના પર કેસ ચલાવવો જોઈએ.’ વીડિયોમાં ચૂંટણી અધિકારી કેમેરા સામે જોતો હોવાનું દેખાતા સીજેઆઈએ કહ્યું કે, તેઓ કેમેરા સામે કેમ જોઈ રહ્યા છે. તેમણે તેમના વકીલને કહ્યું કે, ‘આ લોકશાહીની મજાક છે. લોકશાહીની હત્યા છે. અમે પણ આશ્ચર્યમાં છીએ. શું ચૂંટણી અધિકારીનો આવો વ્યવહાર હોય છે. રિટર્નિંગ અધિકારીને કહેજો કે સુપ્રીમ કોર્ટ તેમના પર નજર રાખી રહ્યું છે.’

મેયરની ચૂંટણીમાં શું થયું હતું?

ચૂંટણીમાં BJPના મનોજ સોનકરે 16 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસ-આપે (Congress-APP) સંયુક્ત રીતે મુકેલા ઉમેદવાર કુલદીપકુમારને 12 મત મળ્યા હતા અને 8 મત 'અયોગ્ય' ગણી ચૂંટણી અધિકારીએ રદ કર્યા હતા. કોંગ્રેસ આપતું માનવું છે તે આઠે-આઠ મત અમારા ઉમેદવાર કુલદીપદુમારને જ મળે તેમ હતા. જો તે ચૂંટણી અધિકારીની મન-મરજી પ્રમાણેની કાર્યવાહીને લીધે જ કુલદીપકુમાર પરાજિત થયા હતા. કોંગ્રેસના સભ્ય તેવા કુલદીપકુમારે કહ્યું હતું કે ''માત્ર આ ચૂંટણી વિવાદ જ નથી, પરંતુ જાહેર પદ પરના અધિકારના દુરૂપયોગનો કેસ છે. આથી જાહેર પદો ઉપર રહેલા અધિકારીઓ ઉપરથી લોકોને વિશ્વાસ ઊઠી જશે. વળી તે સંવૈધાનિક રીતે પણ ખોટું છે તેમજ ઉચ્ચ અધિકારી દ્વારા જનતાના કરાતા વિશ્વાસઘાત સમાન છે. હાઈકોર્ટને પરિણામો ઉપર ''સ્ટે'' ન આપ્યો, તે તેના જ ગૌરવભંગ સમાન છે.''


Google NewsGoogle News