કોણ છે એ નેતા, જેના માટે ભાજપે ચંડીગઢ બેઠક પર અનુપમ ખેરના પત્ની કિરણ ખેરની ટિકિટ પણ કાપી નાંખી
Image Twitter |
Lok Sabha Elections 2024: આખરે લાંબી પ્રતિક્ષા બાદ ભાજપે ચંડીગઢ લોકસભા (Chandigarh Lok Sabha) ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે. અહીંથી ભાજપાના દિગ્ગજ નેતા સંજય ટંડન (Sanjay Tandon)ને પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. હાલમાં તેઓ હિમાચલ પ્રદેશ ભાજપના સહ-પ્રભારી છે તેમજ ચંડીગઢમાં સંગઠનને મજબૂત કરવા માટે તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મળતી માહિતી પ્રમાણે સંજય ટંડનના પિતાનું નામ બલરામજી દાસ ટંડન છે, પંજાબમાં ભાજપના વરિષ્ઠ નેતાઓમાં તેમની ગણતરી થાય છે. તેઓ ચંડીગઢ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
કોણ છે સંજય ટંડન?
સંજય ટંડન હાલમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમના પિતા બલરામ દાસ ટંડને ચૌદ વર્ષ સુધી પંજાબમાં કાઉન્સિલર અને બે વખત ધારાસભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે. સંજય ટંડને તેમનું પ્રાથમિક શિક્ષણ ચંડીગઢની ડીએવી સ્કૂલમાંથી મેળવ્યું હતું. અને ચંડીગઢ કોલેજમાંથી B.Com સાથે સ્નાતક થયા છે. તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ફેલો મેમ્બર પણ છે.
ચંડીગઢ લોકસભા બેઠકનું સમીકરણ
વર્ષ 2014માં ચંડીગઢની આ બેઠક પરથી ભાજપના કિરણ ખેર 1 લાખ 91 હજાર 362 મતથી જીત મેળવી હતી. તો કોંગ્રેસના પવન બંસલ બીજા નંબર પર રહ્યા હતા. તેમને 1 લાખ 21 હજાર 720 મત મળ્યા હતા. તો ત્રીજા નંબરે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગુલકીરત કૌર પનાગને 1 લાખ 8 હજાર 679 મત મળ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરણ ખેર 2 લાખ 31 હજાર 188 વોટ મેળવીને જીત્યા હતા. કોંગ્રેસના પવન કુમાર બંસલને 1 લાખ 84 હજાર 218 વોટ મળ્યા અને AAPના હરમોહન ધવનને 13781 મત મળ્યા હતા.
આ વખતે કેમ રસપ્રદ છે આ ચૂંટણી ?
હાલમાં કોંગ્રેસે આ બેઠક પરથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. પરંતુ એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી પવન કુમાર બંસલ અને વરિષ્ઠ નેતા મનીષ તિવારી વચ્ચે ટિકિટ મુદ્દે ધમાસણ ચાલી રહી છે. તો આ બાજુ રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે, મેયરની ચૂંટણીમાં કોંગ્રેસે AAPને સમર્થન આપ્યું હતું. જેના કારણે AAP અહીંથી પોતાનો ઉમેદવાર ઊભો નથી કરી રહી. ચંડીગઢ બેઠક પરથી અત્યાર સુધી જીતની હેટ્રિક લગાવવાનો રેકોર્ડ પવન બંસલના નામે છે. પવન બંસલ 1999, 2004 અને 2009માં ચંડીગઢ લોકસભામાંથી સતત ત્રણ વખત જીતતા રહ્યા છે.