હોળી પછી ગુજરાતના આ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા!, અંબાલાલ પટેલે કરી આગાહી
માર્ચ મહિનાના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે
Weather In Gujarat: ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો જામી રહી છે. પરંતુ હોળી બાદ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગરમીનો મહત્તમ આંક 22મી માર્ચ સુધીમાં જોવા મળશે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. જેમાં રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમી સાથે વરસાદની શક્યતા છે.
22મી માર્ચ સુધી ગરમી જોવા મળશે
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં ગરમી 22મી માર્ચ સુધી જોવા મળશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી જેટલું રહેશે. 28મી માર્ચ સુધીમાં બેથી ત્રણ પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે. પરંતુ હવે આવતા પશ્ચિમી વિક્ષેપો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને જ પ્રભાવિત કરી શકે, કારણ કે સૂર્ય ધીમે ધીમે ઉત્તર ગોળાર્ધ તરફ આવતો જશે. એટલે પશ્ચિમી વિક્ષેપની અસર કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવે તો જ અસર અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે કરા સાથે વરસાદ પડી શકે છે.
ઉનાળાની શરૂઆત સાથે જ 42 ડિગ્રી સુધી ગરમી પડશે
આ વખતે દેશના દક્ષિણ-પૂર્વ તટો ઉપર બંગાળના ઉપસાગરના ભેજના લીધે વાદળો બનશે અને દક્ષિણ પર્વતીય તટો પર પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. જ્યારે તેની અસર મધ્ય પ્રદેશના ભાગો સુધી આવતા અને અરબ સાગરનો ભેજ મધ્ય પ્રદેશ સુધી જતા 20થી 26મી માર્ચ અને હોળી બાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ 42 ડિગ્રી સુધી ગરમી પડશે.
દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે
માર્ચ મહિનાના આગામી દિવસોમાં ધીરે ધીરે ગરમી વધી શકે છે. તથા 26મી માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેવી પણ શક્યતાઓ જણાવી છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે. હવે ધીરે ધીરે પ્રી-મોન્સૂન ગતિવિધિ વધશે. ગરમી અંગે જોઈએ તો ગુજરાતના ઘણાં ભાગોમાં લઘુતમ તાપમાન 18થી 22 જેટલું રહી શકે છે.