'રામલલાને આરામની પણ જરૂર', અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ પર ચંપત રાયની અપીલ
અયોધ્યા રામ મંદિરમાં રોજ લગભગ એક લાખ રામ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે
Ram Mandir Ayodhya: અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરના કપાટ 14 કલાક સુધી ખુલ્લા રહે છે. આ દરમિયાન શ્રી રામ જન્મભૂનિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, 'ભાગવાન રામને આરામની જરૂર છે.'
મીડિયા ઈન્ટવ્યૂમાં ચંપત રાયે જણાવ્યું કે, 'અયોધ્યા રામ મંદિરમાં રોજ એક લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે અને ભક્તોની ભીડ ઓછી કરવા માટે 24મી જાન્યુઆરીથી 14 કલાક સુધી દર્શનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. ઘણા લોકો કહે છે કે, હવે રામલલાની આરામની જરૂર છે. ભગવાનને 14 કલાક સુધી જાગ્રત રાખવા યોગ્ય નથી.'
2025 સુધીમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે
ચંપત રાયે જણાવ્યું કે, 'રામ મંદિરના ઉપરના માળનુ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મંદિરનું સમગ્ર કાર્ય સંભવતઃ 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. રામ મંદિરનું બાકીનું નિર્માણ કાર્ય યોગ્ય સંકલન કરીને પૂર્ણ કરવામાં આવશે જેથી ભક્તોને ભગવાનના દર્શન કરવામાં કોઈ મુશ્કેલી ન પડે. આ માટે અમે એન્જિનિયરો સાથે બેસીને વિચારીને નિર્ણય લઈશું.'
વારાણસીમાં જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ચંપત રાયે કહ્યું કે, 'હું અત્યારે આ બાબતે કંઈ વિચારતો નથી. મારી દ્રષ્ટિ ખૂબ જ સ્પષ્ટ છે. હું સમાજના કોઈ પણ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યો નથી. હું સમાજને કહીશ કે હવે એક વસ્તુ સંપૂર્ણ રીતે સ્થાપિત થવા દો. ખૂબ જ ઉત્સાહથી બોલવું અને શાંતિથી કાર્ય પૂર્ણ કરવું એમાં ઘણો તફાવત છે.'