સન્યાસી કે શૈવનું નહીં તો કયા સંપ્રદાયનું છે રામ મંદિર? ઉદ્ધાટન પહેલા ચંપત રાયે કર્યો ખુલાસો
Image Source: Twitter
- રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ એક અઠવાડિયા સુધી ચાલશે
અયોધ્યા, તા. 08 જાન્યુઆરી 2024, સોમવાર
શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું કે, રામમંદિર રામાનંદ સંપ્રદાયનું છે. તેમણે કહ્યું કે, રામ મંદિર સન્યાસી કે શૈવનું નથી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે ઉદ્ધાટનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ચંપત રાયનું આ નિવેદન આ ચર્ચાઓ વચ્ચે આવ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં તેમણે આ વાત કહી છે. તેમને પૂછવામાં આવ્યું કે, નવા મંદિરમાં પૂજા પદ્ધતિ શું હશે. તેના જવાબમાં ચંપત રાયે કહ્યું કે, રામ મંદિર.... રામાનંદ પરંપરા.. બસ. રામ મંદિર રામાનંદ સંપ્રદાયનું છે. રામ મંદિર સન્યાસી કે શૈવનું નથી તે રામાનંદ સંપ્રદાયનું છે.
પૂજન માટે બ્રાહ્મણોની ટોળી તૈયાર
રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ અંગે ચંપત રાયે કહ્યું કે, રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ એક અઠવાડિયા સુધી ચાલશે. આ માટે 16 જાન્યુઆરીથી કાર્યક્રમ શરૂ થશે જે બ્રાહ્મણો પૂજા કરશે તેમની ટોળી તૈયાર થઈ ગઈ છે. આ ઉપરાંત જ્યાં પૂજા કરવામાં આવશે તે જગ્યા પણ તૈયાર કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે બ્રાહ્મણોના રહેવાના સ્થળથી લઈને કોણ ભોજન બનાવશે અને પીરસશે તેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.
ચંપત રાયે જણાવ્યું કે લગભગ 125 સંતો અને પરંપરાઓના મહાત્માઓ આવશે અને 13 અખાડાઓ અને તમામ છ દર્શનના મહાપુરુષો અને ધર્માચાર્ય આવશે.