‘JMMમાં મારુ અપમાન થયું, મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા’ પૂર્વ CM ચંપાઈ સોરેનનો જાહેરમાં બળાપો
Champai Soren rebellion to JMM: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ચંપાઈ સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ખુલ્લો પત્ર લખીને JMM સામે બળવો પોકાર્યો છે. આ પત્રમાં તેમણે JMM પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ સમયે તેમની પાસે ત્રણ વિકલ્પ છે જેમાંથી તે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે. આ દરમિયાન તેમણે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઇ સોરેન પર પ્રહાર કર્યા હતા.
જેએમએમથી કેમ નારાજ છે ચંપઇ સોરેન?
પોતાની પોસ્ટમાં તેમણે જેએમએમ સામે પોતાની નારાજગીનું કારણ આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, હેમંત સોરેનના જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ તરીકેના તેમના કાર્યક્રમો તેમને જાણ કર્યા વિના રદ કરી દેવામાં આવ્યા હતા અને જ્યારે તેમણે આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે 3 જુલાઈએ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે ત્યાં સુધી તેઓ સીએમ તરીકે કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં.
આ પણ વાંચોઃ સ્કૂલમાં બિસ્કિટ ખાતાં જ થવા લાગી ઊલટી, 250થી વધુ બાળકોની તબિયત ખરાબ, સાતની હાલત નાજુક
અન્ય વ્યક્તિ મુખ્યમંત્રીના કાર્યક્રમ રદ કરે એ અપમાનજનક
ચંપઇ સોરેને કહ્યું કે, લોકશાહીમાં એક મુખ્યમંત્રીના કાર્યક્રમો અન્ય વ્યક્તિ દ્વારા રદ કરવામાં આવે તેનાથી વધુ અપમાનજનક કંઈ હોઈ શકે? અપમાનની આ કડવી ચુસ્કી પીધા છતાં મેં તેમને કહ્યું કે નિમણૂક પત્રોનું વિતરણ સવારે છે, જ્યારે બપોરે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાશે, તેથી ત્યાંથી પસાર થયા પછી હું બેઠકમાં જોડાઇ જઇશ. પરંતુ, તેનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો.
બેઠકનો એજન્ડા પણ ન જણાવ્યો
બેઠક અંગે વાત કરતાં ચંપઇ સોરેને કહ્યું કે, મુખ્યમંત્રીને ધારાસભ્ય દળની બેઠક બોલાવવાનો અધિકાર છે, પરંતુ મને બેઠકનો એજન્ડા પણ જણાવવામાં આવ્યો ન હતો. મીટિંગ દરમિયાન મને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું. મને નવાઈ લાગી, પણ મને સત્તા તરફ આકર્ષણ ન હતું, તેથી મેં તરત જ રાજીનામું આપી દીધું, પણ આનાથી મારા આત્મસન્માનને ઠેસ પહોંચવાથી હું ભાવુક થઈ ગયો હતો.
તે માત્ર ખુરશીની જ ચિંતા કરે છેઃ ચંપાઈ સોરેન
હેમંત સોરેન પર નિશાન સાધતા પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં લખ્યું કે, છેલ્લા ત્રણ દિવસના અપમાનજનક વર્તનને કારણે હું મારા આંસુ પર કાબૂ રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેમને માત્ર ખુરશીની ચિંતા હતી. મને એવું લાગ્યું કે જે પક્ષ માટે મેં આખું જીવન સમર્પિત કર્યું છે તેમાં મારું કોઈ અસ્તિત્વ જ નથી, આટલા અપમાન અને તિરસ્કાર પછી, મને વૈકલ્પિક માર્ગ શોધવાની ફરજ પડી છે.
મારી પાસે ત્રણ વિકલ્પઃ ચંપાઇ સોરેન
તેમણે વધુમાં કહ્યું કે, ભારે હૈયે મેં ધારાસભ્યોની એ જ બેઠકમાં કહ્યું હતું કે - આજથી મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મારી પાસે આમાં ત્રણ વિકલ્પો હતા. પહેલું, રાજકારણમાંથી નિવૃત્ત થવું, બીજું, પોતાનું નવું સંગઠન ઊભું કરવું અને ત્રીજું, જો મને આ માર્ગ પર કોઈ સાથી મળે તો તેની સાથે આગળની યાત્રા કરવી. તે દિવસથી લઈને આજ સુધી અને આગામી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સુધી મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે.