૨૦૧૪થી પેટ્રોલ-ડીઝલ પર સેસ પેટે રૃ. ૩૮.૮૯ લાખ કરોડ એકત્ર
સેસની આ રકમ રાજ્યોને ન આપીને કેન્દ્ર સરકારે રાજ્યોનો અધિકાર ઝૂંટવી લીધો છે
કોંગ્રેસે સેસની વસૂલાત બદલ કેન્દ્રની ટીકા કરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા છતાં પેટ્રોલ અને ડીઝલ
પર સેસ નાખવા બદલ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મોદી સરકારની ટીકા કરી હતી
અને આરોપ મૂક્યો હતો કે ૨૦૧૪થી કેન્દ્ર સરકારે સેસની આવક પેટે ૩૮.૮૯ લાખ કરોડ
રૃપિયા એકત્ર કર્યા છે. સેસની આ રકમ રાજ્યોને ન આપીને કેન્દ્ર સરકારે રાજ્યોનો
અધિકાર ઝૂંટવી લીધો છે.
ખડગેએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે મોદી સરકારનું
સહકારી સંઘવાદ એટલે સંઘવાદનો અંત છે. તેમણે આરોપ મૂક્યો હતો કે આંતરરાષ્ટ્રીય
સ્તરે ક્રૂડ ઓઇલનો ભાવ ૪૭ મહિનાન નિમ્ન સ્તરે પહોંચી ગયો હોવા છતાં મોદી સરકારે
પેટ્રોલ અને ડીઝલ બંનેની સેન્ટ્રલ એક્સાઇઝ ડયુટીમાં બે-બે રૃપિયાનો વધારો કર્યો
છે.
ચાલુ વર્ષે મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ પરના કુલ સેસને
કારણે ૧.૪૭ લાખ કરોડ રૃપિયાની કમાણી કરશે જ્યારે પેટ્રોલ અને ડીઝલ બંનેની સેન્ટ્રલ
એક્સાઇઝ ડયુટીમાં બે-બે રૃપિયાનો વધારો કરવાને લીધે ૨૮૦૦૦ કરોડ રૃપિયા કમાવશે.
જો કે ભાજપ શાસનવાળા સહિતના રાજ્યોને આ રકમમાંથી કંઇ પણ
મળશે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યો કેન્દ્ર સરકાર પાસે પેટ્રોલ
અને ડીઝલ પરના સેસમાંથી વધુ હિસ્સાની માંગ કરી રહ્યાં છે.
૨૦૧૪થી ડિસેમ્બર,
૨૦૨૪ સુધીમાં મોદી સરકારે પેટ્રોલ,
ડીઝલ અને પેટ્રોલિયમ પેદાશો પર ટેક્સ નાખીને ૩૮.૮૯ લાખ કરોડ રૃપિયા એકત્ર
કર્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯-૨૦થી વિવિધ પ્રકારના
સેસ અને સરચાર્જથી એકત્ર કરવામાં આવેલા
૫.૭ લાખ કરોડ રૃપિયાની આવક મોદી સરકાર માર્ચ ૨૦૨૬ સુધી વાપરશે નહીં.