'હું જાગી તો દીકરો મૃત હાલતમાં હતો', CEO સૂચના શેઠે પોલીસને ચકરાવે ચડાવી, કરાયો સાઈકોલોજિકલ ટેસ્ટ

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
'હું જાગી તો દીકરો મૃત હાલતમાં હતો', CEO સૂચના શેઠે પોલીસને ચકરાવે ચડાવી, કરાયો સાઈકોલોજિકલ ટેસ્ટ 1 - image


- સુચના સેઠે ગોવાના કેન્ડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં પોતાના પુત્રની હત્યા કરી નાખી હતી

નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2024, ગુરૂવાર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવી ચૂકેલી 39 વર્ષીય સૂચના સેઠે પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે પોતાના પુત્રની હત્યા કરી હોવાનો ઈન્કાર કરી દીધો છે. તેણે પોલીસને જણાવ્યું કે, જ્યારે હું જાગી તો દીકરો મૃત હાલતમાં હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે આરોપી મહિલા સૂચના સેઠની થિયોરી સાથે સહમત નથી. આગળની તપાસ થકી બાળકની હત્યા પાછળનો હેતુ બહાર આવશે.

સૂચના શેઠનો સાઈકોલોજિકલ ટેસ્ટ કરાયો

પોલીસનું કહેવું છે કે, અત્યાર સુધી એવું જ લાગી રહ્યું છે કે, આરોપી મહિલા અને તેનો પતિ બંને અલગ થઈ ચૂક્યા હતા અને તેણે તેના પતિ પ્રત્યેની તેની નફરતનો બદલો બાળક દ્વારા લીધો હશે. પોલીસ આરોપી મહિલા સૂચના સેઠને તેના પુત્રની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં પણજી નજીકના મનોચિકિત્સા અને હ્યૂમન બિહેવિયર સેન્ટરમાં લઈ ગઈ હતી અને તેનો સાઈકોલોજિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.

39 વર્ષીય મહિલા સૂચના સેઠે ગોવાના કેન્ડોલિમમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં પોતાના પુત્રની હત્યા કરી નાખી હતી અને તેના મૃતદેહને બેગમાં પેક કરીને સોમવારે ટેક્સી દ્વારા કર્ણાટક જતી રહી હતી. તેની સોમવારે રાત્રે કર્ણાટકના ચિત્રદુર્ગમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે ગોવા લાવવામાં આવી હતી. મહિલા પોલીસ કસ્ટડીમાં છે પરંતુ હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું.

આરોપી મહિલાએ પૂછપરછ દરમિયાન હત્યાનો ઈનકાર કરી દીધો છે. તેણે કહ્યું કે, જ્યારે તે ઉઠી ત્યારે તેના બાળકનું મૃત્યુ થઈ ચૂક્યુ હતું. પોલીસે જણાવ્યું કે, અમે રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. તપાસ નિયમિત પ્રોટોકોલનો હિસ્સો છે જેનું પાલન કોઈ આરોપીની ધરપકડ બાદ કરવામાં આવે છે. 

પોલીસના મતે હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું

પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે સૂચના સેઠે હત્યા કરતા પહેલા જ બાળકને કફ સિરપનો હાઈ ડોઝ આપ્યો હતો. બાદમાં બાળક ગાઢ નિદ્રામાં હતું ત્યારે જ તેણે ઓશીકા કે કપડાંથી મોં દબાવીને તેની હત્યા કરી નાખી હતી.  પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકના શરીર પર કોઈ પણ પ્રકારના ઘાનો ઉલ્લેખ નથી. આ કેસના તપાસ અધિકારીના મતે આ બધી બાબતો જોતા સ્પષ્ટ થાય છે કે આ હત્યાનું આગોતરું આયોજન કરાયું હતું. પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરનું પણ કહેવું છે કે બાળકની હત્યા કોઈ હથિયાર વડે નથી કરાઈ પરંતુ ઓશીકા કે કપડાંથી ગૂંગળાવીને કરાઈ છે. બાળકનું મૃત્યુ શ્વાસ રુંધાઈ જવાથી થયું હતું. 

બાળકની હત્યા નહીં કર્યાનું સૂચના સેઠનું રટણ

સૂચના સેઠ હોટલના જે રૂમમાં રોકાઈ હતી ત્યાંથી પોલીસને બે કફ સિરપની બોટલ મળી છે. તે પૈકી એક બોટલ તેણે હોટલ સ્ટાફ સાથે મંગાવી હતી જ્યારે એક તેની પાસે પહેલેથી હોઈ શકે છે. હાલ તો સૂચના સેઠ રટણ કરી રહી છે કે, 'મેં મારા પુત્રની હત્યા નથી કરી.' જોકે પોલીસનું અનુમાન છે કે બાળક ગાઢ નિદ્રામાં જતો રહે એ માટે જ આ સિરપનો ઉપયોગ કરાયો હશે અને પછી તેની હત્યા કરાઈ હશે. 



Google NewsGoogle News