Get The App

કેન્દ્ર સરકાર લોકસભાનું સીમાંકન 25 વર્ષ માટે અટકાવે...6 રાજ્યોના 14 પક્ષોનો એક સૂર

Updated: Mar 23rd, 2025

GS TEAM


Google News
Google News
કેન્દ્ર સરકાર લોકસભાનું સીમાંકન 25 વર્ષ માટે અટકાવે...6 રાજ્યોના 14 પક્ષોનો એક સૂર 1 - image


Lok sabha Delimitation news : લોકસભાની બેઠકોના નવા સિમાંકન મુદ્દે તામિલનાડુના ચેન્નઇમાં વિપક્ષની મહત્વની બેઠક મળી હતી, જેની આગેવાની તામિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમ. કે. સ્ટાલિને લીધી હતી, સ્ટાલિને નવી સિમાંકન નીતિનો ઉગ્ર વિરોધ કર્યો હતો સાથે જ આ પ્રક્રિયાને આગામી 25 વર્ષ સુધી અટકાવવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. બેઠકમાં સામેલ અન્ય વિરોધી પક્ષોના નેતાઓએ પણ સ્ટાલિનની માગને સમર્થન આપ્યું હતું. આ બેઠકમાં છ રાજ્યોના 14 પક્ષોના પ્રતિનિધિઓ, ત્રણ મુખ્યમંત્રી અને એક ઉપમુખ્યમંત્રી સામેલ થયા હતા.  

નવી સીમાંકન નીતિ મુદ્દે ચેન્નઇમાં જોઇન્ટ એક્શન કમિટીની બેઠક મળી હતી, જેમાં સિમાંકનના વિરોધમાં અને તેને 25 વર્ષ માટે અટકાવવાની માગ સાથે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોઇન્ટ એક્શન કમિટીએ કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે હાલમાં સિમાંકન પ્રક્રિયા ફ્રીઝ અવસ્થામાં છે જેને ૨૫ વર્ષ સુધી લંબાવવામાં આવે. આ બેઠકમાં દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોના નેતાઓ સામેલ થયા હતા. જેમાં કેરળ, તેલંગાણા સહિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી જ્યારે કર્ણાટકના ઉપમુખ્યમંત્રી પણ જોડાયા હતા. કોંગ્રેસ, ડીએમકે, બીઆરએસ, બીજેડી સહિત છ રાજ્યોના 14 પક્ષો જોડાયા હતા.   

કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું હતું કે દક્ષિણ ભારતના રાજ્યોએ વસતી વધારાને કાબુમાં રાખવામાં સફળતા મેળવી છે અને હવે વસતીના આધારે જ તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. વસતી ગણતરી બાદ જો સિમાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી તો ઉત્તરના રાજ્યોની લોકસભાની બેઠકો વધશે જ્યારે દક્ષિણની ઘટશે. આમ કરવાથી ભાજપને ફાયદો થશે કેમ કે ઉત્તરમાં તેનું પ્રભૂત્વ છે જ્યારે દક્ષિણમાં નથી. તેલંગાણાના કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે જો વસતીના આધારે સિમાંકન કરાશે તો દક્ષિણ ભારત પોતાનો રાજકીય અવાજ ગુમાવી દેશે અને ઉત્તર અમને સેકન્ડરી સિટિઝન બનાવી નાખશે.

 તેમણે દાવો કર્યો હતો જો વસતીના આધારે જ લોકસભાની બેઠકો ફાળવવામાં આવી તો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનું સમગ્ર દેશ પર પ્રભૂત્વ વધી જશે. જેને કોઇ પણ સંજોગોમાં અમે નહીં ચલાવીએ. 

બીજી તરફ તમિલનાડુમાં ભાજપના નેતાઓએ કાળા વાવટા સાથે સ્ટાલિનનો વિરોધ કર્યો હતો. અને દાવો કર્યો હતો કે સ્ટાલિને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કર્યું છે જેમણે તામિલનાડુ સાથે વિશ્વાસઘાત કર્યો છે. આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને વિનંતી કરી હતી કે સિમાંકન પ્રક્રિયા એવી રીતે કરો કે જેથી કોઇ પણ રાજ્ય સાથે અન્યાય ના થાય.

Tags :