Get The App

ખેડૂતોની ફરિયાદોને કેન્દ્ર ગંભીરતાથી કાને ધરે : સુપ્રીમ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
ખેડૂતોની ફરિયાદોને કેન્દ્ર ગંભીરતાથી કાને ધરે : સુપ્રીમ 1 - image


- ખેડૂતોના ધરણાં કેટલા લાંબા ચાલશે તેનો આધાર કેન્દ્ર પર : ખેડૂત નેતા

- સુપ્રીમે ડલ્લેવાલને ઉપવાસ ખતમ કરવા નિર્દેશ આપ્યાનું કહી પંજાબ સરકાર, ખેડૂત નેતાઓ દેશને ગેરમાર્ગે દોરે છે : બેન્ચ

- એમએસપીની કાયદાકીય ગેરેન્ટીની સંસદીય પેનલે ખાતરી આપી હોવાથી કેન્દ્ર પીછેહઠ કરી શકે નહીં : ખેડૂત નેતા 

નવી દિલ્હી : પાકના લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કાયદાકીય દરજ્જા સહિત વિવિધ માગો અંગે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. આ મુદ્દે ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલના આમરણ ઉપવાસને ૩૮ દિવસ થઈ ગયા છે અને તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે ખેડૂતોની વાસ્તવિક ફરિયાદો અંગે વિચારણા કરવા કેન્દ્ર સરકારને તાકીદ કરી છે. બીજીબાજુ સુપ્રીમે ડલ્લેવાલના આમરણ ઉપવાસ મુદ્દે પંજાબ સરકાર અને ખેડૂત નેતાઓને આડે હાથ લીધા હતા અને કહ્યું કે, કોર્ટે ક્યારેય ડલ્લેવાલને ઉપવાસ ખતમ કરવા નિર્દેશ નથી આપ્યો.

પંજાબના ખેડૂતો ફરી એક વખત પાકના લઘુત્તમ ટેકાના ભાવને કાયદાકીય ગેરેન્ટી આપવા સહિત અનેક માગો લઈને ૩૮ દિવસથી ધરણાં પર બેઠાં છે. ખેડૂત નેતા જગજિતસિંહ આ મુદ્દે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે અને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત સુપ્રીમ કોર્ટે તેમને તાત્કાલિક મેડિકલ સહાયતા પૂરી પાડવા માટે જણાવ્યું હતું. જોકે, આવા સમયે ન્યાયાધીશ સુર્યકાંત અને ઉજ્જલ ભુયાનની બેન્ચે ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલ તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા કેન્દ્રને ખેડૂતોની વાસ્તવિક ફરિયાદો અંગે ગંભીરતાથી વિચારણા કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરેન્ટી સહિત વિવિધ માગો અંગે વિરોધ કરી રેલા ખેડૂતોની વાસ્તવિક ફરિયાદો સાંભળવા માટે તેના દરવાજા ખુલ્લા છે તેમ કેન્દ્ર સરકાર કેમ નથી કહેતી. કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને બેન્ચે સવાલ કર્યો હતો કે, ખેડૂતોની વાસ્તવિક ફરિયાદો પર ચર્ચા કરવા માટે તેઓ મુક્ત મને તૈયાર છે તેવું નિવેદન કેન્દ્ર સરકારે હજુ સુધી કેમ કર્યું નથી. બેન્ચે કહ્યું કે, કોર્ટ ખેડૂતોની માગ અંગેના વિવિધ પરિબળોના મહત્વથી માહિતગાર નથી. તેથી હાલ અમે એક વ્યક્તિના કથળતા સ્વાસ્થ્યના મુદ્દે મર્યાદિત થઈ ગયા છીએ. કેન્દ્ર સરકારે બધા જ ખેડૂતોની ચિંતા કરવી જોઈએ.

બીજીબાજુ ડલ્લેવાલ તરફથી નવેસરથી અરજી કરનારા ગુરિન્દર કૌર ગીલને સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર ઘર્ષણપૂર્ણ વલણ નહીં અપનાવવા જણાવ્યું હતું. બેન્ચે કહ્યું કે, આ પ્રકારના વિવિધ મુદ્દાઓ પર હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદે સુપ્રીમ દ્વારા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે.

ગીલે કહ્યું કે, પાકના ટેકાના ભાવ મુદ્દે કાયદાકીય ગેરેન્ટીનો મુદ્દાનો ૨૦૨૧માં જ ઉકેલ આવી ગયો છે. કેન્દ્ર સરકારે તેની દરખાસ્તની છેલ્લી બે-ત્રણ લાઈનમાં સ્પષ્ટ કર્યું હતુ ંકે કેન્દ્ર સરકાર ખાતરી આપે છે. તેના આધારે જ ખેડૂતોએ આંદોલન પાછું ખેંચ્યું હતું. હવે સરકાર પાછી ફરી શકે નહીં. દરમિયાન ડલ્લેવાલના આમરણ ઉપવાસ મુદ્દે સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારના કેટલાક અધિકારીઓ અને ખેડૂત નેતાઓને આડે હાથ લીધા હતા. સુપ્રીમે કહ્યું કે, કોર્ટે ક્યારેય ડલ્લેવાલને આમરણ ઉપવાસ ખતમ કરવાનો નિર્દેશ નથી આપ્યો. કોર્ટે માત્ર ડલ્લેવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે અને તેમનો આદેશ તેમને તાત્કાલિક મેડિકલ સુવિધા પૂરી પાડવાનો હતો. ડલ્લેવાલ મેડિકલ મદદ અને ડૉક્ટરોના નિરીક્ષણમાં ભૂખ હડતાળ ચાલુ રાખી શકે છે. જગજિત ડલ્લેવાલના આમરણ ઉપવાસ મુદ્દે ખેડૂત નેતા અભિમન્યુ કોહરે ગુરુવારે કહ્યું કે, ખેડૂતોના દેખાવો કેટલા લાંબા ચાલશે તેનો આધાર કેન્દ્ર સરકાર પર છે. સંસદીય પેનલે એમએસપીની કાયદાકીય ગેરેન્ટીની ભલામણ કરી હોવાથી તેમની માગણીઓ સ્વીકારવામાં કેન્દ્રને કોઈ ખચકાટ હોવો જોઈએ નહીં. ખેડૂતો માટે ડલ્લેવાલે આમરણ ઉપવાસ કરતા પોતાનું જીવન દાવ પર લગાવી દીધું છે. તેમનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે કથળી રહ્યું છે.

કેન્દ્ર રદ કૃષિ કાયદા 'નીતિ'ના નામે  અમલમાં મૂકવાની ફિરાકમાં : કેજરીવાલ

નવી દિલ્હી : પાકના લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે આમરણ ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલનું સ્વાસ્થ્ય કથળ્યું છે. તેવા સમયે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો છે કે પંજાબમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે જે પણ કંઈ થઈ રહ્યું છે તેના માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના આંદોલનના કારણે રદ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓનો 'પોલિસી'ના નામે પાછલા બારણે અમલ કરાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રની નવી 'પોલિસી'ની નકલો બધા જ રાજ્યોને તેમના મંતવ્ય જણાવવા મોકલી અપાઈ છે. આપ નેતૃત્વની પંજાબ સરકારે 'કૃષિ માર્કેટિંગ પર નેશનલ પોલિસી ફ્રેમવર્ક' પરના મુસદ્દાને ૨૦૨૦માં પસાર કરાયેલા ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાની પાછલા બારણે અમલ સમાન ગણાવ્યો છે. પંજાબમાં ખેડૂતો આમરણ ઉપવાસ પર ઉતર્યા હોવા છતાં ભાજપ તેના અહંકારના કારણે તેમની સાથે વાટાઘાટો કરવા તૈયાર નથી.


Google NewsGoogle News