મેરિટલ રેપને ગુનો માનવાના પક્ષમાં નથી કેન્દ્ર સરકાર, SCને કહ્યું- આ કાયદાકીય નહીં સામાજિક મુદ્દો
Marital Rape Law : પતિ દ્વારા પત્નીની પરવાનગી વિના બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા (મેરિટલ રેપ)ના કાયદા મુદ્દે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. તેમાં કેન્દ્રએ કહ્યું છે કે, મેરિટલ રેપ કાયદો નહીં, પરંતુ સામાજીક મુદ્દો છે. આ મુદ્દે કોઈપણ નિર્ણય કરતા પહેલા હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરવાની જરૂર છે. હાલના કાયદાઓમાં મહિલાઓ માટે પૂરતી જોગવાઈઓ સામેલ છે અને લગ્ન એ પરસ્પર જવાબદારીઓનો ભાગ છે.
ભારતમાં લગ્નને પારસ્પરિક જવાદારીનો ભાગ મનાય છે : કેન્દ્રનો તર્ક
કેન્દ્રએ તર્ક આપ્યો છે કે, ભારતમાં લગ્નને પારસ્પરિક જવાદારીનો ભાગ અને વચન માનવામાં આવે છે, જે અપરિવર્તન છે. લગ્ન દરમિયાન મહિલાઓની સહમતી કાયદેસર રીતે સુરક્ષિત છે, જોકે તેને નિયંત્રણ કરતી દંડનીય જોગવાઈઓ અલગ છે. વૈવાહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીઓ માટે અન્ય કાયદાઓમાં પણ પર્યાપ્ત ઉપાયો છે. કલમ 375ના અપવાદ-2 નાબૂદ કરવાથી લગ્નની વ્યાખ્યા પર પ્રતિકૂળ અસર પડશે.
આ પણ વાંચો : વારંવાર ચૂંટણી પહેલા જ કેમ રામરહીમને મળી જાય છે પેરોલ, ભાજપને કઈ રીતે કરાવે છે ફાયદો
કેન્દ્રનું વર્તમાન ભારતીય દુષ્કર્મ કાયદાને સમર્થન
પતિ અને પત્ની વચ્ચેના શારીરિક સંબંધને અપવાદ બનાવતા વર્તમાન ભારતીય દુષ્કર્મ કાયદાને કેન્દ્ર સરકારે સમર્થન આપ્યું છે. કેન્દ્રએ કહ્યું કે, આ મુદ્દો કાયદા કરતા વધુ સામાજીક મુદ્દો છે અને તેની સીધી અસર સમાજ પર પડે છે. જો વૈવાહિક દુષ્કર્મને અપરાધ જાહેર કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ તેમાં હસ્તક્ષેપ ન કરી શકે. આ મુદ્દે માત્ર સરકાર જ નિર્ણય લઈ શકે છે.
કાર્યકર્તા રૂથ મનોરમા સહિત અરજદારોએ તર્ક આપ્યો હતો કે, આ કાયદાથી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બનાવવવા માટેની સહમતી નબળી બની છે અને શારીરિક અખંડિતતા, સ્વાયત્તતા અને ગૌરવનું ઉલ્લંઘન થયું છે.
દિલ્હી હાઈકોર્ટે ભારતીય દુષ્કર્મ કાયદા ગેરબંધારણીય ગણાવી હતી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે વર્તમાન વૈવાહિક દુષ્કર્મ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 375ના અપવાદ-2ની કાયદેસરતા પર ગત વર્ષે સવાલ ઉઠ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો હતો. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રાજીવ શકધર દ્વારા આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવી ફગાવી દેવાઈ હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.
દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ રાજીવ શકધરે આ જોગવાઈને ગેરબંધારણીય ગણાવીને ફગાવી દીધી હતી, જ્યારે જસ્ટિસ સી હરિ શંકરે તેને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે જુલાઈમાં કર્ણાટક હાઈકોર્ટના 23 માર્ચના નિર્ણય પર રોક લગાવી દીધી હતી, જેમાં કોર્ટે IPCની કલમ 376 હેઠળ દુષ્કર્મના આરોપો અને તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના આરોપને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.