‘સ્થાનિક ચૂંટણીઓમાં OBC માટે અનામત વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી’, રાજ્યસભામાં કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
સ્થાનિક ચૂંટણીઓમાં વસ્તી મુજબ અન્ય પછાત જાતિઓ માટે અનામત વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી : કપિલ મોરેશ્વર
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કપિલ મોરેશ્વરે કહ્યું, ‘કલમ-243D હેઠળ દેશમાં OBCને એક તૃતિયાંશ અનામત’
નવી દિલ્હી, તા.06 નવેમ્બર-2023, બુધવાર
કેન્દ્ર સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં OBC માટે અનામત કોટામાં વધારો કરવા મામલે રાજ્યસભામાં મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં કહ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં વસ્તી મુજબ અન્ય પછાત જાતિઓ (OBC) માટે અનામત વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી કપિલ મોરેશ્વર પાટિલે (Kapil Moreshwar Patil) રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું કે, ઓબીસીને કલમ-243D હેઠળ એક તૃતિયાંશ અનામત અપાય છે. જોકે 21 રાજ્ય સરકારોએ અનામત કોટાને 50 ટકા સુધી વધારી દીધું છે. રાજ્યસભાના સભ્યએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં વસ્તી મુજબ ઓબીસી અનામત વધારવાની માંગ કરી છે. જોકે અમારી સામે આવો કોઈ પ્રસ્તાવ નથી.
મહિલાઓ માટે 50 ટકા અનામત
પાટિલે કહ્યું કે, સ્થાનિક ચૂંટણીઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામત છે. આ કોટામાં ઓબીસી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાવવાની જોગવાઈ છે. જ્યારે રાજ્ય સરકારોને ઓબીસીને અનામત આપવાનો અધિકાર છે.
OBC કોટા વિવાદના કારણે મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણી અટકી
કેન્દ્રીય મંત્રીએ એક અન્ય પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, આ મામલે રાજ્યોએ પોતપોતાના સ્તરે નિર્ણય કરવો જોઈએ. તેમણે કહ્યું કે, ઓબીસી કોટા વિવાદના કારણે મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ન યોજાઈ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, ડેટા વગર અનામતને 50 ટકા સુધી વધારી ન શકાય.