કેન્દ્રની ખેડૂતોને લ્હાણી : રુ. 14,000 કરોડની સાત કૃષિ યોજનાને મંજૂરી
- ક્રોપ સાયન્સ માટે રુ. 3,979 કરોડની યોજનાને મંજૂરી
- કૃષિ ક્ષેત્રની બધી જ પ્રવૃત્તિઓને એક જ છત્ર હેઠળ લાવવા માટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશનના લોન્ચિંગની જાહેરાત
નવી દિલ્હી : કેન્દ્રએ ખેડૂતોની આવક વધારવાના હેતુથી કૃષિની અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓની વૃદ્ધિ માટે રુ. ૧૪,૦૦૦ કરોડના સાત મોટા કાર્યક્રમોની જાહેરાત કરી હતી. કેન્દ્રીય કેબિનેટે રુ. ૨,૮૧૭ કરોડન ડિજિટલ એગ્રીકલ્ચર મિશન અને ક્રોપ સાયન્સ માટે રુ. ૩,૯૭૯ કરોડની સ્કીમ સાથેના સાત મોટા પ્રોજેક્ટને મંજૂરીની મ્હોર મારી હતી. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ કાર્યક્રમોની રૂપરેખા પર પ્રકાશ પાડયો હતો.
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમોનું ધ્યેય રિસર્ચ અને શિક્ષણ, ક્લાઇમેટ ચેન્જ સામે પ્રતિકાર, કુદરતી સંસાધનોનું સંચાલન અને કૃષિ ક્ષેત્રના ડિજિટાઇઝેશનની સાથે બાગાયતી અને પશુપાલન ક્ષેત્રના વિકાસ પર ભાર મૂકવાનું છે.
આ યોજનાઓના છ પિલ્રમાં સંશોધન અને શિક્ષણ, પ્લાન્ટ જેનેટિક રિસોર્સ મેનેજમેન્ટ, ફૂડ અને ઘાસચારાના જેનેટિક ઇમ્પ્રૂવમેન્ટ, કઠોળ અને તેલીબિયા, રોકડિયા પાકોમાં સુધારો, જંતુઓ, સૂક્ષ્મ જીવાણો અને પોલિનેટર્સ પર સંશોધનનો સમાવેશ થાય છે.
કેબિનેટે આ ઉપરાંત કૃષિ શિક્ષણ, મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સીઝ પર રુ. ૨,૨૯૧ કરોડના ખર્ચને મંજૂરી આપી હતી.
આ ઉપરાંત રુ. ૨,૮૧૭ કરોડના ડિજિટલ એગ્રી મિશન માટે મંજૂરી આપી હતી. તેમા બે મુખ્ય પિલર એગ્રી સ્ટેક અને કૃષિ નિર્ણય સમર્થન પ્રણાલિ છે.
પ્રધાને જણાવ્યું હતું ક પશુઓના આરોગ્ય અને તેમના જનમ તથા જાળવણી માટે રુ. ૧,૭૦૨ કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત બાગાયત માટે રુ. ૮૬૦ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
આ ઉપરાંત કૃષિ વિજ્ઞાાન કેન્દ્રો મજબૂત બનાવવા રુ. ૧,૨૦૨ કરોડ, નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ માટે રુ. ૧,૧૧૫ કરોડની મંજૂરી આપવામાં આવી છે. દેશમાં ૭૦૦થી વધુ કૃષિ વિકાસ કેન્દ્રો છે. ડિજિટલ એગ્રી મિશનમાં કૃષિ ક્ષેત્ર હઠળની બધી જ બાબતોને ટેકનોલોજી અન્વયે આવરી લેવામાં આવશે.