કેન્દ્રીય અર્ધસૈનિક દળોનું થશે મર્જર? બોર્ડર સુરક્ષાને લઈને NSA અજીત ડોભાલે CPOને જોડવાની કરી વાત
NSA Ajit Doval : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે (24 મે) એક કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ સુરક્ષા અને સલામત સરહદ સુનિશ્ચિત કરવા માટે તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનો (CPO) ને એકસાથે જોડવાની વાત કરતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના કેટલાક નિવૃત્ત અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો છે.
ડોભાલે CPOને એક કરવાના ફાયદા ગણાવ્યા
અજીત ડોભાલે આજે બીએસએફના એક સમારોહમાં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સંપૂર્ણ સુરક્ષા અને સલામત સરહદ સુનિશ્ચિત કરવા માટે તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનોને એકસાથે જોડવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, તમામ કેન્દ્રીય પોલીસ સંગઠનો (સીપીઓ) એક થશે તો શ્રેષ્ઠ સંચાલન સુનિશ્ચિત કરી શકશે અને વધુ અખંડિતતા પણ જોવા મળશે. આમ કરવાથી રાજ્ય પોલીસ પણ સરહદી દળોને મદદ કરી શકશે.
નિવૃત્ત અધિકારીઓએ ડોભાલની વાતનો વાંધો ઉઠાવ્યો
જોકે કાર્યક્રમમાં ઉપસ્થિત સીએપીએફના કેટલાક નિવૃત્ત અધિકારીઓએ ડોભાલના પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો હતો. બીએસએફના એક સેવાનિવૃત્ત મહાનિરીક્ષકે કહ્યું કે, જો તમામ દળોનું મર્જર કરવામાં આવશે તો તમામ દળો પોતાની ઓળખ ખોઈ નાખશે.
‘સુરક્ષા એજન્સીઓ સરહદી વિસ્તારોમાં રહેનારા લોકો સાથે મિત્રતા કરે’
સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં રહેનારા લોકો સાથે મિત્રતા કરવા મુદ્દે ડોભાલે કહ્યું કે, ‘સરહદી વિસ્તારોમાં રહેનારા લોકો વગર સરહદની સુરક્ષા નથી થઈ શકતી. ઓછામાં ઓછું તમારી બાજુથી સરહદના લોકો સાથે મિત્રતા કરો, તેમણે એવું ન વિચારવું જોઈએ કે, તમે તેમના પર શાસન કરવા અથવા તેમને નિયંત્રિત કરવા માટે ત્યાં તહેનાત છો.’
ડોભાલના નિવેદન પર ચર્ચાઓ શરૂ
અજીત ડોભાલે સીપીઓને એક કરવાની વાત કહ્યા બાદ વિજ્ઞાન ભવનમાં હાજર બીએસએફના સેવા આપતા અને નિવૃત્ત અધિકારીઓ વચ્ચે ચર્ચા થવા લાગી કે, ભવિષ્યમાં કેન્દ્રીય દળોને એક સાથે જોડવામાં આવી શકે છે, તેમના પર પણ ઈન્ટરચેન્જ પ્રક્રિયા લાગુ પડી શકે છે. અજિત ડોભાલે વિજ્ઞાન ભવનમાં હાજર કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ચીફ તપન ડેકા અને વિવિધ દળોના વડાઓની હાજરીમાં આ વિચાર આપ્યો હતો.