કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો મધ્ય પ્રદેશની ટીમે રાજસ્થાનમાંથી 600 કિલો અફીણનું ભૂંસુ અને 16 કિલો અફીણ ઝડપ્યું
- ટીમે માદક પદાર્થોની હેરાફેરી માટે વપરાતા એક વાહનને પણ જપ્ત કરી લીધું છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
નવી દિલ્હી, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર
કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (સીબીએન) મધ્ય પ્રદેશના અધિકારીઓએ માદક પદાર્થોની તસ્કરી અને તસ્કરો પર વિશેષ કાર્યવાહી અભિયાન અંતર્ગત 600 કિલો ખસખસનું ભૂસુ, 16 કિલો અફીણ અને 2.5 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.
કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો મધ્ય પ્રદેશે ગુપ્ત માહિતીના આધારે રાજસ્થાનના ચિત્તોડગઢના નિમ્બાહેડા ક્ષેત્રમાં આવેલા શ્રીપુરા ગામમાં દરોડો પાડ્યો હતો. એક શકમંદના ઘરની તલાશી દરમિયાન ત્યાંથી ખસખસના ભૂસાના 34 કોથળા, 16 કિલો અફીણ અને 2.5 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ખસખસના ભૂસાનું વજન 600 કિલો હોવાનું સામે આવ્યું છે.
નાર્કોટિક્સ કમિશનર રાજેશ એફ. ઢાબરેએ કેન્દ્રીય નારકોટિક્સ બ્યુરોના ફીલ્ડ એકમોને 5 રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીના અનુસંધાને એક વિશેષ ડ્રગ-વિરોધી અભિયાન આયોજિત કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે અધિકારીઓને સંવેદનશીલ રસ્તાઓ, માદક પદાર્થોની તસ્કરી અને તસ્કરીની શક્યતા ધરાવતા ક્ષેત્રોનું મોનિટરીંગ કરવા નિર્દેશ આપ્યો છે.
ટીમને ખબરી દ્વારા શ્રીપુરા ગામનો એક શખ્સ પોતાના ઘરે અફીણની ગેરકાયદેસર તસ્કરી કરે છે તેવી સૂચના મળી હતી. ટીમે માદક પદાર્થોની હેરાફેરી માટે વપરાતા એક વાહનને પણ જપ્ત કરી લીધું છે અને એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.