ભાજપ નેતાઓને માપમાં રહેવા નીતિશ કુમારનો મેસેજ, આ દિગ્ગજ નેતાને પાછળ બેસાડી અપમાનિત કર્યા
Bihar NDA Meeting: બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે એનડીએના નેતાઓની બોલાવેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને પહેલી હરોળમાં સ્થાન નહીં આપીને અમમાનિત કરતાં ભાજપ અને જેડીયુ વચ્ચે લડાઈ જામી છે. ગિરિરાજ સિંહને બીજી હરોળમાં છેક છેલ્લી ખુરશી પર જગ્યા અપાઈ હતી. ગિરિરાજને અપમાનિત કરીને નીતિશ કુમારે ભાજપ હાઈકમાન્ડને પોતાની હરકતો બંધ કરાવવા મેસેજ આપ્યો હોવાનું પણ મનાય છે.
ગિરિરાજ સિંહને પ્રથમ હરોળમાં સ્થાન ન મળ્યું
ગિરિરાજ સિંહની હિંદુ સ્વાભિમાન યાત્રા દરમિયાન કરાયેલાં મુસ્લિમ વિરોધી નિવેદનો સામે નારાજગી વ્યક્ત કરવા નીતિશ કુમારે ગિરિરાજ સિંહને કોરાણે મૂક્યા હોવાનું કહેવાય છે. નીતિશ કુમારને લાગે છે કે, ભાજપની કેન્દ્રીય નેતાગીરી જાણી જોઈને મુસ્લિમ મતબેંકને પોતાનાથી દૂર કરવા માટે ગિરિરાજ સિંહ સહિતના નેતાઓ પાસે મુસ્લિમ વિરોધી નિવેદનો કરાવી રહી છે.
મુસ્લિમ વિરોધી આપ્યું હતું નિવેદન
આ યાત્રા દરમિયાન ગિરિરાજ સિંહે હુંકાર કર્યો હતો કે, કોઈ મુસલમાન તમને એક થપ્પડ મારે તો તેને સો થપ્પડ મારો.ગિરિરાજ સિંહે હિંદુઓને દુશ્મનો સામે હથિયાર ઉઠાવવા માટે પણ હાકલ કરી હતી.
ગિરિરાજ સિંહની ભાગલપુરથી નિકળેલી યાત્રામાં થયેલાં ઉશ્કેરણીજનક નિવેદનો બદલ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના નેતાઓએ કિશનગંજમાં ગિરિરાજ સિંહ સામે કેસ પણ નોંધાવ્યો છે.
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઇ ગેંગે પપ્પુ યાદવને મારી નાખવાની ધમકી આપી
ગિરિરાજ સિંહના નિવેદનનો જેડીયુના નેતાઓ દ્વારા ઉગ્ર વિરોધ
ગિરિરાજ સિંહના નિવેદનો સામે જેડીયુના નેતાઓએ ઉગ્ર વાંધો લીધો હતો. નીતિશ કુમાર સરકારના મંત્રીઓ લેશી સિંહ, ઝમા ખાન અને જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે ગિરિરાજ સિંહના નિવેદનોની ઝાટકણી કાઢીને કહ્યું હતુ કે, જે જીતમાં મુસલમાનો સામેલ નાહોય એવી જીત અમને જોઈતી નથી.
આરજેડીના તેજસ્વી યાદવે હુંકાર કરેલો કે, મુસ્લિમો સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ કરી તો પણ પરિણામો ભોગવવાં પડશે. ગિરિરાજ સિંહે મુસલમાનોને ઘૂસણખોર ગણાવીને તેમના કારણે હિંદુઓ સલામત નથી અને મંદિરોમાં જઈને પૂજા પણ કરી શકતા નથી એવો દાવો કર્યો હતો.