કેન્દ્રના નિર્ણયથી રાજ્યોને નુકસાનના એંધાણ, આર્થિક મંદીના કારણે આર્થિક મદદમાં કાપ મૂકાશે
States Share in Central Taxes: કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ટેક્સમાં રાજ્યોની ભાગીદારીમાં કાપ મૂકી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર નાણાં પંચને આ વિશે ભલામણ કરશે. નાણાં પંચ ટેક્સ શેરિંગ અને કેન્દ્ર તથા રાજ્યોની વચ્ચે નાણાંકીય સંબંધ વિશે ભલામણ કરે છે. અરવિંદ પનગઢિયાની આગેવાનીવાળું આ પંચ 31 ઑક્ટોબરે પોતાનો અહેવાલ આપશે, જેને 2026-27માં લાગુ કરવામાં આવશે.
રાજ્યોની ભાગીદારી 41 ટકાથી ઘટાડીને 40 ટકા કરાશે?
સૂત્રના જણાવ્યા અનુસાર, સરકાર કેન્દ્રીય ટેક્સમાં રાજ્યોની ભાગીદારી 41 ટકાથી ઘટાડીને 40 ટકા કરવાની ભલામણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કેબિનેટ માર્ચના અંત સુધી આ પ્રસ્તાવને મંજૂરી આપી શકે છે. ત્યારબાદ તેને નાણાં પંચ પાસે મોકલવામાં આવશે. ટેક્સ રેવન્યૂમાં 1 ટકાના કપાતથી રાજ્યોને આશરે 35 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ આંકડો આ વર્ષના અંદાજિત ટેક્સ કલેક્શન પર આધારિત છે.
આ પણ વાંચોઃ વૃદ્ધ માતાને ભરણપોષણ ન આપવા પુત્રની અરજી, હાઈકોર્ટે દંડ ફટકારતાં કહ્યું- ખરેખર કળિયુગ છે
કેન્દ્રનો ખર્ચ વધ્યો
1980માં કેન્દ્રીય ટેક્સમાં રાજ્યનો ભાગ 20 ટકા હતો જે હવે 41 ટકા છે. પરંતુ, આર્થિક મંદીના કારણે કેન્દ્રનો ખર્ચ વધ્યો છે. આ જ કારણે કેન્દ્રીય ટેક્સમાં રાજ્યોની ભાગીકારી ઓછી કરવાની માંગ કરવામાં આવી રહી છે. 2024-25માં કેન્દ્રની રાજકોષીય ખાધ જીડીપીની 4.8 ટકા રહેવાનું અનુમાન છે. જોકે, રાજ્યોના મામલે આ 3.2 ટકા છે.
અર્થતંત્રમાં સરકારના કુલ ખર્ચમાં રાજ્યોનો ભાગ 60 ટકાથી વધારે છે. તે હેલ્થ અને એજ્યુકેશન જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ખર્ચ કરે છે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. પરંતુ, જુલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ રાજ્યોની આવક ભેગી કરવાની ક્ષમતા સીમિત થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારી બાદથી સેસ અને સરચાર્જમાં પણ વધારો કર્યો છે. પહેલાં આ ગ્રોસ ટેક્સ રેવન્યૂનો 9થી 12 ટકા ભાગ હતો, જે હવે 15 ટકાથી ઉપર થઈ ગયો છે. જેને રાજ્યો સાથે શેર કરવામાં નથી આવતો.
આ પણ વાંચોઃ દિલ્હી-મહારાષ્ટ્રમાં ભાજપે ગુજરાતના લોકોના મત નંખાવીને ચૂંટણી જીતી હતી, મમતાનો દાવો
ચૂંટણીમાં મફતની જાહેરાતો પર કડકાઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર ચૂંટણી દરમિયાન રાજ્યોની રેવડીઓ પર લગામ લગાવી શકે છે. તેમને રોકડ, દેવું માફી અને અન્ય ચૂંટણીમાં આપવામાં આવતી મફતની જાહેરાત કરવાથી રોકી શકાય છે. તેની એક રીત એવી હોઈ શકે કે, રાજ્યોને સ્ટેટ ટેક્સ રેવન્યૂમાં કમીની પૂર્તિ માટે આપવામાં આવતી સેન્ટ્રલ ગ્રાન્ટને અમુક શરતો સાથે બાંધી દેવામાં આવે. ફક્ત તે શરતોના પાલન બાદ જ રાજ્ય આવા ગ્રાન્ટ મેળવી શકશે. છેલ્લાં પાંચ વર્ષમાં મહેસૂલ ખાધ ગ્રાન્ટમાં મોટો ઘટાડો થયો છે. 2021-22માં તે 1.18 લાખ કરોડ રૂપિયા હતી જે 2025-26માં 13,700 રૂપિયા રહેવાનું અનુમાન છે.