ભ્રામક જાહેરાતો કરતા કોચિંગ સેન્ટરોની હવે ખેર નહીં, અનેક ફરિયાદો બાદ કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Coaching Centre's New Guidelines : દેશભરના કોચિંગ સેન્ટર એટલે કે ટ્યુશન સેવા આપતી તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર મળેલી અનેક ફરિયાદો પછી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ આ દિશાનિર્દેશ જાહેર કર્યા છે.
અનેક ફરિયાદો મળ્યા બાદ નવી ગાઈડલાઈન જાહેર કરાઈ
કોચિંગ સેન્ટરો વિરુદ્ધ આવી અનેક ફરિયાદો મળ્યા બાદ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને નવા નિયમો બનાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ મુજબ સીસીપીએની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન પર આવી અનેક ફરિયાદો આવી હતી, ત્યારબાદ આ ગાઈડલાઈન બનાવવામાં આવી છે. કોચિંગ સેન્ટરો દ્વારા 100 ટકા પસંદગી અથવા નોકરીની ગેરેન્ટી જેવા ખોટા દાવાવાળી જાહેરાતોને અટકાવવા માટે સરકારે આ ગાઈડલાઈન જાહેર કરી છે.
ગાઈડલાઈન જાહેર થયા બાદ 50 નોટિસ ફટકારાઈ
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ કહ્યું કે, ‘કોચિંગ સેન્ટરો વિદ્યાર્થીઓના ધ્યાન બહાર જાણીજોઈને માહિતી છુપાવી રહ્યા છે, જે અમારા ધ્યાને આવ્યું છે, તેથી અમે કોચિંગ સાથે સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપવા માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.’ ઉલ્લેખનીય છે કે, ગાઈડલાઈન જાહેર થયા બાદ સીસીપીએએ અત્યાર સુધીમાં 54 નોટિસો જારી કરી છે અને લગભગ 54.60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર કોચિંગ સેન્ટરોની વિરુદ્ધ નથી, જોકે ભ્રામક જાહેરાતો કરી ગ્રાહકોના અધિકારોને નુકસાન ન થવું જોઈએ. કોચિંગ સંસ્થાઓ પસંદગી પછી લેખિત સંમતિ વિના સફળ ઉમેદવારોના નામ અથવા ચિત્રનો ઉપયોગ કરી શકશે નહીં.’
કોચિંગ સેન્ટરો માટે નવી ગાઈડલાઈન
કોચિંગ સેન્ટરોએ અભ્યાસક્રમ, સમયગાળો, ફેકલ્ટી લાયકાત, ફી, રિફંડ પોલિસી, પસંદગી દર અને નોકરીની ગેરંટી સંબંધિત ભ્રામક માહિતી આપવાનું ટાળવું જોઈએ. કોચિંગ સંસ્થાએ ઉમેદવારનો ફોટો લગાવ્યા પહેલા તેની મંજૂરી લેવાની રહેશે. 'કોચિંગ' શબ્દમાં શૈક્ષણિક સહાય અને ટ્યુશનનો સમાવેશ થાય છે, પરંતુ કાઉન્સેલિંગ અને રમતગમતની પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી.
મંજૂરી વગર ફોટો છાપ્યો તો ખેર નહીં...
ઉલ્લેખનીય છે કે, કેટલાક કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસ ચલાવતી સંસ્થાઓ એવો દાવો કરતા હોય છે કે, ટોપર થયેલા વિદ્યાર્થીઓ તેમની સંસ્થાના છે, જોકે આવું હોતું નથી અને આવી અનેક ફરિયાદો પણ સીસીપીએને મળી ચુકી છે, તેથી સીપીસીએએ આવી ભ્રામક જાહેરાત ન કરવા તેમજ જે-તે વિદ્યાર્થી કે ઉમેદવારની મંજૂરી લીધા વગર બેનરો અને જાહેરાતોમાં ફોટો ન છાપવાના પણ નિર્દેશ આપ્યા છે. નવી માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે.