'બજેટમાં બંગાળને કોઈ રાહત ન આપીને કેન્દ્ર સરકારે બરોબર જ કર્યું છે': ભાજપ નેતાનો દ્વેષ છતો થયો
BJP vs Mamata over Budget 2024-25: પશ્ચિમ બંગાળની તાજેતરની પેટાચૂંટણીમાં ચારેય બેઠકો પર કારમી હાર બાદ બંગાળ ભાજપના નેતાઓ મમતા સરકાર સામે આકરા પાણીએ હતા. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ તે સમયે નિવેદન આપ્યું હતુ કે, ભાજપ અત્યાર સુધી કહેતું હતુ કે 'સબ કા સાથ, સબ કા વિકાસ' પરંતુ હવે આપણે એવું નહીં કહીએ. હવે આપણે કહીશું કે 'જો હમારે સાથ, હમ ઉન કે સાથ’ હવે સબ કા વિકાસ કહેવાનું બંધ કરો. આ નિવેદન સાથે બંગાળમાં ભાજપના નેતાઓના મનની રાજકીય દ્વેષ ભાવના છતી થઈ હતી અને હવે વધુ એક બીજેપીના નેતાના નિવેદને આ કથિત લોક ચર્ચાને સમર્થન આપ્યું છે.
કેન્દ્રીય બજેટમાં એનડીએના સાથી પક્ષો જેડીયુ અને ટીડીપીને પરોક્ષ આર્થિક પેકેજની જાહેરાત કરતા વિરોધ પક્ષે સરકાર સામે મોરચો માંડ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પશ્ચિમ બંગાળ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
મમતા બેનર્જીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્ય માટે કોઈ નાણાકીય પેકેજની જાહેરાત ન કરીને યોગ્ય કાર્ય કર્યું છે. પોલે કહ્યું, "કેન્દ્ર બંગાળને આર્થિક પેકેજ શા માટે આપે? ટીએમસી નેતાઓને નાણાં પચાવી પાડવામાં મદદ કરવા માટે? ટીએમસી સરકાર કેન્દ્રીય ભંડોળનો ઉપયોગ કરી રહી છે પરંતુ ઉપયોગનું કોઈ પ્રમાણપત્ર નથી આપી રહી. શું આ બંધારણીય છે? ટીએમસી સરકાર ભ્રષ્ટાચારમાં ગડાડૂબ થઈ ગઈ છે."
મમતાએ કર્યો હતો વિરોધ :
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં ગઈકાલે રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટનો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ વિરોધ કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતુ કે, બંગાળને સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવ્યું છે અને કેન્દ્રીય બજેટમાં ગરીબ લોકોના હિતોને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. તેમણે કેન્દ્રીય બજેટને રાજકીય રીતે પક્ષપાતી અને જનવિરોધી ગણાવ્યું હતું.
તૃણમૂલના વરિષ્ઠ નેતા કલ્યાણ બેનર્જીએ બજેટને "ખુરશી બચાવો બજેટ" ગણાવતા આક્ષેપ કર્યો હતો કે, "આ બજેટનો હેતુ (વડાપ્રધાન) નરેન્દ્ર મોદીની ખુરશી બચાવવાનો છે." કલ્યાણ બેનર્જીએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, આ ભારતનું નહીં પણ એનડીએનું બજેટ છે. હવે ભાજપ ઓડિશામાં વિધાનસભા ચૂંટણી જીતી ગઈ છે તેથી આ રાજ્ય માટે પણ કંઈ નથી. બંગાળ માટે પણ કંઈ નથી.
અભિષેક બેનર્જીએ પણ બજેટ મુદ્દે સરકાર પર ચાબખાં મારતા કહ્યું હતુ કે, શું બંગાળમાંથી ભાજપના 12 સાંસદોને ચૂંટાઈને મોકલવાનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું? ના. નેટ રીઝલ્ટ ઝીરો છે. બંગાળ સતત જુલમ સહી રહ્યું છે અને વંચિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો: 'બોચી ઝાલીને મુખ્યમંત્રીને સત્તાથી હટાવીશું', ભાજપ MLAના નિવેદન પર બબાલ, SC/ST એક્ટ હેઠળ કેસ
તેમણે બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીની ટિપ્પણીનો ઉલ્લેખ કરતા ટોણો માર્યો કે ''જે કોઈ અમારી સાથે છે, અમે તેમની સાથે છીએ તેવું સુવેન્દુ અધિકારીનું નિવેદન આજે સાચું સાબિત થયું છે.”