'અમે આંધળા નથી, પરિણામ તો ભોગવવા પડશે..', બાબા રામદેવ-બાલકૃષ્ણ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
Supreme Court on Patanjali case | યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેરખબરોમાં કરાયેલા દાવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી હતી. આ અંગે જવાબ આપતા કેન્દ્રએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આયુષ અથવા એલોપેથીની સારવાર લઈ શકે છે. બંને સિસ્ટમમાં જોડાયેલા લોકો માટે એકબીજાને દોષી ઠેરવવા અને નીચા દેખાડવા યોગ્ય નથી. આ દરમિયાન બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ આજે ફરી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે ફરી એકવાર કોર્ટમાં માફી માગી હતી, પરંતુ તેઓની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે, ‘તમે ત્રણ ત્રણ વખત આદેશની અવગણના કરી છે. હવે તેના પરિણામ ભોગવવા પડશે. અમે આંધળા નથી.’ આ સાથે જ કેન્દ્ર સરકારના જવાબ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રના જવાબથી પણ સુપ્રીમ કોર્ટ અસંતુષ્ટ
આ કેસમાં સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ કેન્દ્ર સરકારે પણ જવાબ આપવો પડ્યો છે. આ અંગે જસ્ટિસ કોહલીએ કહ્યું છે કે, ‘આયુષ મંત્રાલય અત્યાર સુધી કાર્યવાહી માટે રાહ કેમ જોઈ રહ્યું હતું. અત્યાર સુધી કોઈપણ કોર્ટ સમક્ષ તેની સામે અરજી કેમ ના કરી?’ બીજી તરફ, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે, ‘પતંજલિએ તમારી સમક્ષ આપેલા નિવેદનનું ઉલ્લંઘન કર્યું તો તમે શું કર્યું? બેસી રહ્યા તમે, અમારા આદેશની રાહ જોતા રહ્યા? તમે કોઈ કાર્યવાહી કેમ ન કરી. આવું 6 વખત થયું છે. વારંવાર લાઈસન્સિંગ ઈન્સપેક્ટર મૌન રહ્યા. અધિકારીઓ તરફથી પણ કોઈ રિપીટ નથી. ત્યાર પછી નિમણૂક અધિકારીએ પણ આવું જ કર્યું. આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.’
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ફરી હાજર થયા
અગાઉ કોર્ટે કહ્યું હતું કે, ‘પતંજલિની જાહેરખબરો નિયમો વિરુદ્ધ છે.’ આ ઉપરાંત કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પર પણ યોગ્ય એફિડેવિટ દાખલ ન કરવા બદલ પણ નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં ગત મહિને કોર્ટે પતંજલિ દ્વારા માંગવામાં આવેલી માફી સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે, ‘બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ફરી એક નવી એફિડેવિટ સાથે હાજર થાય. આજે બંને ફરી કોર્ટમાં હાજર થયા છે.’
પતંજલિની ભ્રામક જાહેરાત અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો ઘટસ્ફોટ
આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ તીખા સવાલ પૂછ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમને આશ્ચર્ય થાય છે કે તમે પણ આ મામલે પોતાની આંખો કેવી રીતે બંધ રાખી.’ આ અંગે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે, ‘જો કોઈ જાહેરખબરમાં જાદુઈ સારવારની વાત કરાય છે, તો રાજ્યો પાસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો કે અમે કાયદા પ્રામણે નિર્ણય લીધો હતો. પતંજલિએ કોરોનાનો સામનો કરવા કોરોનિલ દવા તૈયાર કરી હતી. તે અંગે જાહેરખબર આવતા જ પતંજલિને કહેવાયું હતું કે, જ્યાં સુધી આ મામલાનું પરીક્ષણ આયુષ મંત્રાલય કરી રહ્યું છે, ત્યાં સુધી આવી જાહેરખબરો ના આપો.’
આ ઉપરાંત કેન્દ્રએ દાવો કર્યો હતો કે, ‘અમે લાઈસન્સિંગ ઓથોરિટીને જણાવ્યું હતું કે કોરોનિલ દવા સંક્રમણનો સામનો કરવામાં એક સહાયક દવા તરીકે છે. અમે કોરોનાને ખતમ કરવાના ખોટા દાવા અંગે પણ ચેતવણી આપી હતી. આ સિવાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવાયું હતું કે, તમે આવી જાહેરખબરો પર રોક લગાવો. અમારી નીતિ એ છે કે દેશમાં ચિકિત્સાની આયુષ અને એલોપેથીની પદ્ધતિ એક સાથે કામ કરે.’