દેશ સ્વતંત્ર થયાના 13 મહિના પછી આઝાદ થયું હતું આ શહેર, હવે દર 17 સપ્ટેમ્બરે મનાવાશે 'મુક્તિ દિવસ'

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
દેશ સ્વતંત્ર થયાના 13 મહિના પછી આઝાદ થયું હતું આ શહેર, હવે દર 17 સપ્ટેમ્બરે મનાવાશે 'મુક્તિ દિવસ' 1 - image


Hyderabad Liberation Day: લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે જાહેરાત કરી હતી કે હવે દર વર્ષે 17 સપ્ટેમ્બરને 'હૈદરાબાદ મુક્તિ દિવસ' તરીકે ઉજવવામાં આવશે. એક ગેઝેટ નોટિફિકેશનમાં મંત્રાલયે કહ્યું કે, "હૈદરાબાદને આઝાદ કરાવનારા શહીદોને યાદ કરવા અને યુવાનોના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા માટે, કેન્દ્ર સરકારે દર વર્ષે 17 સપ્ટેમ્બરને હૈદરાબાદ મુક્તિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે."

હૈદરાબાદ નિઝામના શાસનમાંથી થયું હતું મુકત 

આઝાદીની તારીખો ટાંકીને મંત્રાલયે કહ્યું કે દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો, પરંતુ હૈદરાબાદ 15 ઓગસ્ટ, 1947 પછીના 13 મહિના સુધી નિઝામના શાસનથી આઝાદી મેળવી શક્યું ન હતું. આખરે, 'ઓપરેશન પોલો'ની કાર્યવાહી બાદ, 17 સપ્ટેમ્બર 1948ના રોજ હૈદરાબાદને નિઝામના શાસનમાંથી મુક્ત કરવામાં આવ્યું. આ યુદ્ધમાં અનેક જવાનો શહીદ થયા હતા. હૈદરાબાદ મુક્તિ દિવસ હવે દર વર્ષે 17 સપ્ટેમ્બરે તે શહીદોની યાદમાં ઉજવવામાં આવશે. આ વિસ્તારના લોકો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા.

શું હતું 'ઓપરેશન પોલો'?

હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી શાહ તેમના રજવાડાને ભારતમાં ભેળવવા માંગતા ન હતા પરંતુ તેને એક અલગ સ્વતંત્ર દેશ તરીકે રાખવા માંગતા હતા. આ કારણોસર, નિઝામે આઝાદી પછી હૈદરાબાદને ભારત અથવા પાકિસ્તાનમાં સામેલ કર્યું ન હતું. વાસ્તવમાં, નિઝામે એવા સંજોગોનો લાભ લીધો હતો જ્યારે, આઝાદી પછી તરત જ, ભારત સરકાર કાશ્મીર યુદ્ધમાં વ્યસ્ત થઈ ગઈ હતી અને તમામ ધ્યાન અને સંસાધનો જમ્મુ કાશ્મીર પર પાકિસ્તાની ખતરાનો સામનો કરવા પર કેન્દ્રિત હતા.

'ઓપરેશન પોલો' એ ભારતીય સેના દ્વારા 13 સપ્ટેમ્બર 1948ના રોજ હૈદરાબાદના રજવાડાને એક કરવા માટે શરૂ કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીનું 'કોડ નેમ' હતું. 15 ઓગસ્ટ, 1947ના રોજ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે હૈદરાબાદના નિઝામ ભારતમાં જોડાવા માટે અચકાતા હતા. આઝાદીના લગભગ એક વર્ષ પછી, તત્કાલિન હોમ મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદને ભારતમાં સમાવવા માટે નિઝામના રજવાડા પર લશ્કરી હુમલો કર્યો હતો, જેને 'પોલીસ એક્શન' કહેવામાં આવ્યું હતું. આ હુમલાના માત્ર પાંચ દિવસ પછી, 17 સપ્ટેમ્બરના રોજ, નિઝામની સેનાએ ભારતીય સેનાને આત્મસમર્પણ કર્યું.

દેશ સ્વતંત્ર થયાના 13 મહિના પછી આઝાદ થયું હતું આ શહેર, હવે દર 17 સપ્ટેમ્બરે મનાવાશે 'મુક્તિ દિવસ' 2 - image


Google NewsGoogle News