પત્ની કે માતા-પિતા....શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? સરકાર બનાવી રહી છે યોજના

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
પત્ની કે માતા-પિતા....શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? સરકાર બનાવી રહી છે યોજના 1 - image


Martyr Army Jawan Pension: દેશની સેનામાં ફરજ દરમિયાન શહીદ થતાં જવાનોના પરિવારમાં પેન્શન કોને મળશે? શહીદ જવાનના પેન્શન પર કોનો અધિકાર? કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદના આ જ સવાલનો જવાબ કેન્દ્ર સરકારે સંસદમાં શુક્રવારે આપ્યો હતો. સરકારે કહ્યું કે, આ બાબત પર અમે વિચારણા કરી રહ્યા છીએ કે, શહીદની પત્ની અને માતા-પિતા વચ્ચે પેન્શન વહેંચી દેવામાં આવે.  

સરંક્ષણ રાજ્યમંત્રી સંજય શેઠે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે, માતા-પિતા અને પત્ની વચ્ચે ફેમિલી પેન્શન વહેંચી દેવાનો પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચારણા થઈ રહી છે. 

સેનાએ મોકલ્યો પ્રસ્તાવ

સરંક્ષણ મંત્રીએ કહ્યું કે, એવી માહિતી મળી છે કે, સેનાએ પણ આ વિષય પર રક્ષા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે જણાવ્યું કે, શહીદ સૈનિકોના માતા-પિતાએ આર્થિક મદદ માટે કાયદામાં સુધારાની માગ કરી છે.

તમને જણાવી દઈએ કે, નિયમો પ્રમાણે ગ્રેચ્યુઈટી, પ્રોવિડન્ટ ફંડ, ઈન્સ્યોરન્સ અને એક્સ-ગ્રેશિયાની રકમ શહીદ સૈનિકના નોમિનેશન અથવા વસિયત પ્રમાણે આપવામાં આવે છે. પરંતુ વૈવાહિક કિસ્સામાં શહીદની પત્નીને પેન્શનની રકમ આપવામાં આવે છે અને અવિવાહિત શહીદના માતા-પિતાને પેન્શનની રકમ આપવામાં આવે છે.

કેમ ઉઠ્યો આ મુદ્દો?

શહીદ જવાનોની પત્નીઓ કે માતા-પિતામાં પેન્શનનો અધિકાર કોને મળવો જોઈએ આ મુદ્દો હાલમાં ચર્ચામાં છે. છેલ્લા થોડા સમયમાં શહીદ જવાનોના પરિવારો તરફથી ફરિયાદો આવી છે કે શહીદના પેન્શન સહિતની ઘણી સુવિધાઓ પત્નીને મળી ગયા બાદ માતા-પિતા કોઈ પણ નિરાધાર બની જાય છે. આ ઉપરાંત ઘણા કિસ્સામાં પત્નીઓ સાથે પણ અભદ્રતા, ઘરની બહાર કાઢી મૂકવાની ફરિયાદો અથવા ઘરની અંદર બીજા લગ્ન માટે દબાણ કરવા જેવી બાબતો પણ સામે આવી છે. 

આ મામલામાં પહેલાથી જ અનંત પીડાનો સામનો કરી રહેલા માતા-પિતા અથવા પત્ની માટે ભાવનાત્મક સહારો ઉપરાંત આર્થિક સહારાની જરૂર પણ હોય છે. આ જ કારણોસર તાજેતરના સમયમાં આ મુદ્દા પર લોકોનું ધ્યાન ગયું છે. 


Google NewsGoogle News