સાંસદોને મોંઘવારી નડી! પગાર-ભથ્થા અને પેન્શનમાં પણ વધારો, સરકારનું જાહેરનામું
MPs Salary-Pension-Daily Allowance Hike : સાંસદોના પગારમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-1954 હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે.’
સાંસદોના પગારમાં કેટલો વધારો થશે?
સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ, સાંસદોના પગાર, દૈનિક ભથ્થું અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદોને પહેલા મહિને રૂપિયા 1,00,000 પગાર મળતો હતો, જે વધારીને 1.24 લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું (Daily Allowance) રૂપિયા 2000થી વધારી 2500 કરવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25000થી વધારીને 31000 કરવામાં આવ્યું છે. જ્યારે વધારાનું પેન્શન (5 વર્ષથી વધુ સેવા માટે) રૂ. 2000થી વધારીને 2500 કરવામાં આવ્યું છે.
સરકારે પગાર વધારો કેમ કર્યો?
સરકારે કહ્યું કે, ‘મોંઘવારીની અસરને ધ્યાને રાખીને સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી દર અને ખર્ચ સૂચકાંક(Cost Inflation Index)ને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. RBIના મોંઘવારી દરના આંકડાના આધારે સાંસદોની આર્થિક સ્થિતિ સંતુલિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સરકારના નિર્ણયથી કોને થશે ફાયદો?
કેન્દ્ર સરકારના નિર્ણયથી વર્તમાન સાંસદોને પગાર વધારો મળશે. આ ઉપરાંત પૂર્વ સાંસદોને વધુ પેન્શનનો લાભ મળશે. તેમજ પાંચ વર્ષથી વધુ સેવા આપનારા સાંસદોને પેન્શનમાં થયેલા વધારાનો ફાયદો મળશે.
આ પણ વાંચો : કુણાલ કામરા વિવાદમાં પાડાના વાંકે પખાલીને ડામ, BMCએ હેબિટેટ સ્ટુડિયો પર હથોડો ઝીંક્યો
દેશભરમાં કુલ 543 સંસદ સભ્યો
વર્તમાન સમયમાં દેશભરમાં કુલ 543 સંસદ સભ્યો છે. સાંસદોના પગારમાં છેલ્લે 2018માં વધારો કરવામાં આવ્યો છે. તે વખતે મોંઘવારી દર અને જીવનનિર્વાહના વધતાં ખર્ચને ધ્યાને રાખીને તેમનો પગાર વધારીને દર મહિને રૂ. 1,00,000 કરવામાં આવ્યો હતો.
આ પહેલાની વાત કરીએ તો સાંસદોને તેમના કાર્યાલયોને અદ્યતન રાખવા અને તેમના સંબંધિત જિલ્લામાં મતદારો સાથે વાતચીત કરવાના ખર્ચ માટે ‘મતવિસ્તાર ભથ્થાં’ તરીકે રૂ.70,000નું ભથ્થું મળી રહ્યું છે. આ ઉપરાંત, તેમને સંસદીય સત્રો દરમિયાન દર મહિને કાર્યાલય ભથ્થાં તરીકે રૂ. 60,000 અને દૈનિક ભથ્થાં તરીકે રૂ. 2,000 મળે છે. આ ઉપરાંત, સાંસદોને ફોન અને ઇન્ટરનેટના ઉપયોગ માટે વાર્ષિક રૂ. 1.5 લાખનું ભથ્થું પણ મળે છે. તેઓ પોતાના અને તેમના પરિવાર માટે દર વર્ષે 34 ફ્રી સ્થાનિક ફ્લાઇટ્સ તેમજ વ્યાવસાયિક, વ્યક્તિગત ઉપયોગ માટે કોઈપણ સમયે ફર્સ્ટ ક્લાસ ટ્રેન મુસાફરી કરી શકે છે. તેઓ રસ્તાઓનો ઉપયોગ કરતી વખતે માઇલેજ ભથ્થાનો પણ દાવો કરી શકે છે. સાંસદોને વાર્ષિક 50,000 યુનિટ મફત વીજળી અને 4,000 કિલોલિટર પાણીનો લાભ પણ મળે છે.
સાંસદોને મળે છે આવાસનું પણ ભથ્થું
પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સાંસદોને મુખ્ય વિસ્તારોમાં ભાડા-મુક્ત રહેઠાણ આપવામાં આવે છે. તેઓ તેમની વરિષ્ઠતાના આધારે હોસ્ટેલ રૂમ, ઍપાર્ટમેન્ટ અથવા બંગલા મેળવી શકે છે. જે સાંસદો સત્તાવાર રહેઠાણમાં રહેવા ન ઇચ્છતા હોય તો તેઓને માસિક રૂ. 2,00,000નું આવાસ ભથ્થું મેળવવા માટે પાત્ર છે. કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ, સંસદસભ્યો અને તેમના નજીકના પરિવારોને મફત તબીબી સારવાર મળે છે. આમાં ભાગ લેતી ખાનગી હૉસ્પિટલો તેમજ સરકારી હૉસ્પિટલોમાં સારવારનો સમાવેશ થાય છે.