ક્રિમીલેયર છે શું? જેને કેન્દ્ર સરકારે અનામતમાં લાગુ કરવાનો કર્યો ઈનકાર, જાણો તેના વિશે વિગતવાર
Creamy Layer in Reservation: તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એસ.સી અને એસ.ટી કેટેગરીના અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ કરવાનો ચુકાદો આપ્યો હતો. હવે તેના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લેયરને લાગુ કરશે નહીં. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટ બેઠકમાં એસ.સી અને એસ.ટી અનામતમાં ક્રિમી લેયર અંગે સુપ્રીમ કોર્ટ આપેલા ચુકાદાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. બી.આર. આંબેડકર દ્વારા તૈયાર કરાયેલા બંધારણમાં એસ.સી-એસ.ટી માટેના અનામત વ્યવસ્થામાં કોઈ ક્રિમી લેયરની જોગવાઈ નથી. કેન્દ્ર સરકાર ડો.આંબેડકરના બંધારણ માટે પ્રતિબદ્ધ છે. તેથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેનું અનામત બંધારણીય દિશા-નિર્દેશો અનુસાર લાગુ રહેશે.
શું છે ક્રિમી લેયરની જોગવાઈ?
ક્રિમી લેયર એટલે કે સમાજનો એ વંચિત વર્ગ કે જે આર્થિક અને સામાજિક રીતે સમૃદ્ધ થઇ ચૂક્યા છે. ક્રિમી લેયર હેઠળ આવતા લોકોને અનામતનો લાભ આપવામાં આવતો નથી. હાલમાં ઓબીસી અનામતમાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ છે. આ સિવાય અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમોશનના મામલામાં ક્રિમી લેયરની જોગવાઈ લાગુ પડે છે. અન્ય પછાત વર્ગ(ઓબીસી) ને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળે છે. ક્રિમી લેયરની જોગવાઈ અનુસાર જો કોઈ ઓબીસી પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી વધુ હોય તો તે પરિવારના છોકરા કે છોકરીને અનામતનો લાભ મળતો નથી. તેને બિન-અનામત ક્વોટા દ્વારા નોકરી અથવા પ્રવેશ મળે છે.
ક્રિમી લેયરની શરૂઆત ક્યારથી થઈ?
સૌપ્રથમ ક્રિમી લેયરની શરૂઆત વર્ષ 1993માં થઇ હતી. તે સમયે 1,00,000 રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા. પછી વર્ષ 2004માં આ મર્યાદા વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. અને વર્ષ 2008માં તેને વધારીને 4.5 લાખ રૂપિયા, 2013માં 6 લાખ રૂપિયા અને 2017માં 8 લાખ રૂપિયા સુધી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: SC / ST અનામતને લઈને મોટા સમાચાર, ક્રિમી લેયર મુદ્દે મોદી સરકારનો સ્પષ્ટ જવાબ
બંધારણમાં શું જોગવાઈ કરાઈ છે?
બંધારણમાં અનુચ્છેદ 15(4), 16(4) અને 340(1)માં 'પછાત વર્ગ' શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 15 (4) અને 16 (4)માં જણાવાયું છે કે, રાજ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે અથવા તે વર્ગોને વિશેષ સુવિધાઓ આપી શકે છે. અનુચ્છેદ 16માં રાજ્ય હેઠળના કોઈપણ પદ પર નિમણૂકના મામલે તકની સમાનતા વિશે જણાવાયું છે. જો કે તેમાં ઘણાં અપવાદો છે. જો રાજ્યને લાગે છે કે નિમણૂકોમાં પછાત વર્ગનું પ્રતિનિધિત્વ નથી, તો રાજ્ય તે વર્ગો માટે અનામતની વ્યવસ્થા કરી શકે છે.
ક્રિમી લેયરમાં કોણ સામેલ છે?
ક્રિમી લેયરમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ, યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યો, રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યો અને મુખ્ય ચૂંટણી કમિશનર જેવા બંધારણીય હોદ્દા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવામાં ગ્રૂપ A અને ગ્રૂપ B કેટેગરીના અધિકારીઓ પણ ક્રિમી લેયર હેઠળ સામેલ કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
1 ઓગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે અનામત અંગે આપેલા મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે, સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિતના અનામતમાં સરકાર અલગથી વર્ગીકરણ પણ કરી શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ વિક્રમ નાથ, ન્યાયાધીશ બેલા ત્રિવેદી, ન્યાયાધીશ પંકજ મિત્તલ, ન્યાયાધીશ મનોજ મિશ્રા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની 7 ન્યાયાધીશોની બંધારણીય બેંચે એસ.સી-એસ.ટી અનામતમાં ક્રિમી લેયરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એક ન્યાયાધીશે તેનો વિરોધ કર્યો હતો.
આગળ વધી ગયેલી બીજી પેઢીને અનામત ન મળવી જોઈએ
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે એસ.સી-એસ.ટી કેટેગરીની અનામતમાં ક્રિમી લેયર ઓબીસી ક્રિમી લેયરથી અલગ હોવું જોઈએ. બંધારણમાં અપાયેલા સમાનતાના સિદ્ધાંતને સ્થાપિત કરવા માટે ક્રિમી લેયર મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. ન્યાયાધીશ પંકજ મિત્તલે કહ્યું હતું કે, જો કોઈ એક વિદ્યાર્થી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ભણતો હોય અને બીજો ગ્રામીણ વિસ્તારની શાળા કે કોલેજમાં ભણતો હોય તો તે બંનેને સમાન ગણી શકાય નહીં. જો એક પેઢી અનામતનો લાભ લઈને આગળ વધી હોય તો બીજી પેઢીને અનામત ન મળવી જોઈએ.