કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર: જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં વધારો
- ચારથી પાંચ ટકા જેટલો વધારો આપશે
નવી દિલ્હી તા.30 ડિસેંબર 2019 સોમવાર
આવી રહેલું 2020નું નવું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર લઇને આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. દરેક કર્મચારીનો સરેરાશ પગાર મહિને રૂપિયા દસ હજાર વધી જશે એવી માહિતી મળી હતી.
મોદી સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચારથી પાંચ ટકાનો વધારો કરવાની છે એટલે લગભગ દરેક કર્મચારીનો પગાર દસેક હજાર રૂપિયા વધી જવાની શક્યતા છે.
આમ થવાથી કેન્દ્ર સરકારના પચાસ લાખ જેટલા કર્મચારીઓને લાભ થશે. સાથોસાથ 62 લાખ જેટલા પેન્શનર્સને પણ લાભ થશે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો વધારો જૂન માસમાં થાય છે.
સૌથી નીચલી પાયરીના કર્મચારીને સરેરાશ સાડા સાતસો રૂપિયાનો વધારો મળશે અને ઉપલી પાયરીના કર્મચારીઓને દસ હજાર જેટલો પગાર વધારો મળશે.
હાલ કેન્દ્ર સરકારના કર્મચારીઓને 17 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. હાલની સરકાર બીજા ચાર ટકા વધારે તો મોંઘવારી ભથ્થું 21 ટકા થઇ જશે.
પોતાના કર્મચારીઓને મોંઘવારીનો માર સહેવો ન પડે એટલા માટે કેન્દ્ર સરકાર આ વધારો દર વર્ષે આપે છે. જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનર્સ પણ આ લાભ મેળવે છે.