અગ્નિવીરો માટે ગૂડ ન્યૂઝ! સૈન્યમાં જળવાઈ રહેવાની મુદ્દત સહિત પગાર-ભથ્થાં પણ બદલાઈ શકે
Image Source: X
Agniveer: સૈન્યમાં જવાની તૈયારી કરી રહેલા અગ્નિવીરોને ટૂંક સમયમાં સરકાર મોટી ભેટ આપી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 4 વર્ષના સમયગાળા બાદ સૈન્યમાં અગ્નિવીરોને જાળવી રાખવાની મુદ્દત વધારવામાં આવી શકે છે. હાલના નિયમો પ્રમાણે 25% અગ્નીવીરો સેવામાં જળવાઈ રહે છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી કહેવામાં આવ્યું. આ સિવાય પણ અગ્નિપથ યોજનામાં અનેક ફેરફાર થઈ શકે છે. સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાનું એલાન કર્યું હતું.
પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે
એક અહેવાલ પ્રમાણે સરકાર અગ્નિપથ યોજનામાં કેટલાક ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. આ હેઠળ હવે વધારે અગ્નિવીરોને સૈન્યમાં રિટેન કરવામાં આવશે. આ ઉપરાંત તેમના પગાર-ભથ્થાંમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. જોકે, હજું રક્ષા મંત્રાલયે સત્તાવાર નિવેદન જારી નથી કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યોજનાના લાભ અને વ્યવસ્થાને શ્રેષ્ઠ કરવા માટે ફેરફાર કરવામાં આવી શકે છે.
અહેવાલમાં રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું કે, અગ્નિવીરોને સેવામાં જાળવી રાખવાની મુદ્દત અંગે ચર્ચા ચાલું છે. ત્યારબાદ ચાર વર્ષની સેવા પૂરી કરી ચૂકેલા વધુ અગ્નિવીરો સૈન્યનો હિસ્સો બની રહેશે. હાલમાં આ આંકડો 25% છે. સૈન્ય એક્સપર્ટનું માનવું છે કે, 25% રિટેન કરવાની મુદ્દત પર્યાપ્ત નથી.
આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે
એક સૂત્રએ જણાવ્યું કે ગ્રાઉન્ડ ફાઈટિંગ સ્ટ્રેન્થ જાળવવા માટે એક ચતુર્થાંશ આંકડાને રિટેન કરવાની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમણે કહ્યું કે, સેનાએ ભલામણ કરી છે કે ચાર વર્ષ પછી સેવામાં જાળવી રાખવાના અગ્નિવીરોની સંખ્યા વધારીને 50% કરવી જોઈએ. આ અંગે સેનાએ સરકારને પોતાની ભલામણો સોંપી દીધી હોવાના અહેવાલ છે. આ અંગે આંતરિક સર્વે પણ કરવામાં આવ્યો હતો. જોકે, ટોચના રક્ષા અધિકારીઓનું કહેવું છે કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે.
અગ્નિપથ યોજના
સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ અગ્નિવીરને ત્રણેય સૈન્ય સેવાઓ (જળ, જમીન અને હવા)માં ચાર વર્ષ માટે નિયુક્ત કરવાના હતા. એક વર્ષમાં કુલ નિયુક્ત અગ્નિવીરોના 25%ને કાયમી કમિશન મળતું હતું.